Ram Mandir Donation Case Supreme Court: અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ભક્તો દ્વારા અપાયેલા દાન અને ચઢાવાની કથિત હેરાફેરી તથા ચોરીના આરોપો હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યા છે. આ સમગ્ર મામલે દાખલ કરાયેલી જનહિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવા સંમતિ આપી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતામાં ત્રણ જજોની વિશેષ બેન્ચની રચના કરવામાં આવી છે, જે 13 જુલાઈએ આ મામલે સુનાવણી હાથ ધરશે. રામ મંદિર સાથે જોડાયેલા દાનના વ્યવહારોને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રશ્નો ઊભા થયા છે. આ પૃષ્ઠભૂમિમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં દાનની પારદર્શિતા, નાણાકીય વ્યવસ્થાપન અને તપાસ પ્રક્રિયાને લઈને અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. અરજદારોનું કહેવું છે કે કેસની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે સર્વોચ્ચ અદાલતની દેખરેખ જરૂરી છે.
CJI સૂર્યકાંતની આગેવાનીમાં ત્રણ જજોની બેન્ચ
આ કેસની સુનાવણી માટે રચાયેલી ત્રણ સભ્યોની બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત ઉપરાંત જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.એસ. મોહનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વકીલ અજય કુમાર રાય અને દિનેશ કુમાર યાદવ દ્વારા દાખલ કરાયેલી જનહિત અરજીની સાથે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સાંસદ સુધાકર સિંહ દ્વારા આ જ મુદ્દે દાખલ કરાયેલી અલગ અરજી પર પણ સંયુક્ત રીતે સુનાવણી થવાની છે.
આ પણ વાંચો: અયોધ્યાના રામ મંદિરમાં નવું સંકટ : દાન ગણતરી કરતા 23 કર્મચારીઓએ એકસાથે આપ્યા રાજીનામા
કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર SITની માગ
અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી માંગ કરવામાં આવી છે કે રામ મંદિરમાં મળતા દાન અને ચઢાવામાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ કોર્ટની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવે. અરજદારોનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે પહેલેથી જ FIR નોંધાવી છે અને રાજ્યની વિશેષ તપાસ ટીમ (SIT)એ પ્રાથમિક તપાસ પણ શરૂ કરી છે. તેમ છતાં, કેસની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે CBIના નેતૃત્વ હેઠળ સ્વતંત્ર SITની રચના કરવી જોઈએ. અરજીમાં ભવિષ્યમાં આવી ગેરરીતિઓ ન બને તે માટે ટ્રસ્ટની નાણાકીય વ્યવસ્થા, દાનની પ્રક્રિયા અને સંપત્તિના નિયમિત ઓડિટ માટે પણ માર્ગદર્શિકા નક્કી કરવાની માંગ કરવામાં આવી છે.
દાન સંબંધિત તમામ પુરાવા સુરક્ષિત રાખવાની અપીલ
અરજદારો દ્વારા સુપ્રીમ કોર્ટને વચગાળાના આદેશ માટે પણ વિનંતી કરવામાં આવી છે. તેમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દાન સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આમાં બેંક ખાતાની વિગતો, દાન રજિસ્ટર, ઓડિટ રિપોર્ટ, કમ્પ્યુટર ડેટા તેમજ મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજનો પણ સમાવેશ થાય છે. અરજદારોનું માનવું છે કે, તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારના પુરાવા સાથે છેડછાડ ન થાય તે માટે આ પગલું જરૂરી છે.
આ પણ વાંચો: રામ મંદિર વિવાદમાં વધુ એક મોટું એક્શન! : ચંપત રાય સહિત 3 મોટા ચહેરાઓ પાસેથી પાછા ખેંચાયા આ ખાસ અધિકાર
કેસ પર સૌની નજર
અયોધ્યાનું શ્રી રામ મંદિર દેશના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્રોમાંનું એક હોવાથી આ કેસ પર દેશભરના લોકોની નજર છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન તપાસની દિશા, સ્વતંત્ર SITની જરૂરિયાત અને દાન વ્યવસ્થામાં પારદર્શિતા અંગે મહત્વપૂર્ણ કાનૂની ચર્ચા થવાની શક્યતા છે. 13 જુલાઈએ યોજાનારી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ કયા પ્રાથમિક નિર્દેશો આપે છે અને તપાસ અંગે શું વલણ અપનાવે છે તેના પર હવે સૌની નજર રહેશે.





