WhatsApp AI summary: દુનિયાના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) દ્વારા યુઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે એક અદભૂત ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. ઘણીવાર આપણે કામમાં વ્યસ્ત હોઈએ ત્યારે ગ્રુપ ચેટ કે પર્સનલ ચેટમાં સેંકડો મેસેજ જમા થઈ જાય છે, જેને એક-એક કરીને વાંચવા ખૂબ જ કંટાળાજનક અને સમય માંગી લે તેવું કામ છે. આ સમસ્યાના ઉકેલ માટે વોટ્સએપ હવે 'મેસેજ સમરી' (Message Summary) ફીચર લાવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ માત્ર એક ક્લિક પર જાણી શકશે કે લાંબી ચેટમાં કયા વિષય પર વાતચીત થઈ છે.
શું છે આ નવું સમરી ફીચર અને કેવી રીતે કરશે કામ?
WABetaInfoના રિપોર્ટ અનુસાર, વોટ્સએપ અત્યારે આ ફીચર પર ડેવલપમેન્ટ કરી રહ્યું છે અને તેને ગૂગલ પ્લે સ્ટોર પર બીટા વર્ઝન 2.26.12.10 માં જોવામાં આવ્યું છે. જ્યારે પણ તમારી પાસે ઘણા બધા અનરીડ મેસેજ હશે, ત્યારે વોટ્સએપ તેની એક સિક્યોર સમરી તૈયાર કરશે. આ સમરી વાંચ્યા પછી યુઝર નક્કી કરી શકશે કે આખી ચેટ વાંચવામાં સમય બગાડવો કે નહીં. જો કોઈ ગ્રુપમાં ઢગલો મેસેજ આવ્યા હોય, તો આ AI આધારિત ફીચર મહત્વના મુદ્દાઓ તારવીને તમને ટૂંકમાં જણાવી દેશે.
આ પણ વાંચો: WhatsApp પર મેસેજ ડિલીટ કરવાનું ટેન્શન હવે ખતમ! : આવી રહ્યું છે આ જોરદાર ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
પ્રાઇવસીનું રાખવામાં આવ્યું છે ખાસ ધ્યાન
મેટા (Meta) દ્વારા આ ફીચરને 'પ્રાઇવેટ પ્રોસેસિંગ ટેક્નોલોજી' પર તૈયાર કરવામાં આવ્યું છે. આ એક અત્યંત સુરક્ષિત ટેક્નોલોજી છે જેમાં યુઝરનો તમામ ડેટા પ્રાઇવેટ રહે છે. ડેટા પ્રોસેસિંગ પ્રાઇવેટલી થતું હોવાને કારણે ખુદ મેટા કે વોટ્સએપ પણ તમારા મેસેજ વાંચી કે જોઈ શકશે નહીં. યુઝર્સની પ્રાઇવસી સાથે કોઈ સમજૂતી ન થાય તે માટે આ ટેક્નોલોજીનું NCC ગ્રુપ અને ટ્રેલ ઓફ બાઇટ્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા ઓડિટ પણ કરવામાં આવ્યું છે, જેમાં આ ફીચર સુરક્ષિત હોવાનું સાબિત થયું છે.
યુઝર્સના નિયંત્રણમાં રહેશે આ સુવિધા
વોટ્સએપના આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ડિફોલ્ટ રીતે ચાલુ નહીં હોય. આ ફીચરનો ઉપયોગ કરવો કે નહીં તે સંપૂર્ણપણે યુઝરના હાથમાં રહેશે. જે યુઝર્સને આ સેવાનો લાભ લેવો હોય તેમણે સેટિંગ્સમાં જઈને તેને મેન્યુઅલી ઓન (Enable) કરવું પડશે. આ ફીચર અત્યારે બીટા ટેસ્ટિંગમાં છે અને ટૂંક સમયમાં તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચર આવવાથી ઓફિસ ગ્રુપ્સ અને ફેમિલી ગ્રુપ્સના સેંકડો મેસેજથી પરેશાન યુઝર્સને મોટી રાહત મળશે.





