આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. દરરોજ લાખો મેસેજ, ફોટા, વીડિયો, દસ્તાવેજો અને ખાનગી વાતચીત આ એપ પર થાય છે. ભારતમાં 85 કરોડથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે અને સરકારી વિભાગો પણ આ એપ દ્વારા લોકો સાથે જોડાઈ રહ્યા છે. પરંતુ આ લોકપ્રિયતાની સાથે જોખમ પણ વધ્યું છે. હેકર્સ નવી-નવી રીતો અપનાવીને વોટ્સએપ એકાઉન્ટ હેક કરી રહ્યા છે, જેનાથી તમારી ખાનગી ચેટ્સ, બેંક વિગતો, ફોટા અને અન્ય સંવેદનશીલ માહિતી જોખમમાં મુકાઈ શકે છે. એકવાર એકાઉન્ટ હેક થઈ જાય તો છેતરપિંડી, બ્લેકમેઈલિંગ કે નાણાકીય નુકસાનનો ભોગ બનવું પડે છે. સારી વાત એ છે કે, વોટ્સએપને સુરક્ષિત રાખવું ખૂબ જ સરળ છે. સરકારની સાયબર સુરક્ષા એજન્સી I4C (ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર) એ એક વિડીયો બહાર પાડ્યો છે, જેમાં માત્ર ત્રણ મહત્વપૂર્ણ સેટિંગ્સ ઓન કરીને તમે તમારા વોટ્સએપ એકાઉન્ટને હેકિંગથી સંપૂર્ણપણે બચાવી શકો છો. આ ત્રણ સેટિંગ્સ તમારા ફોનમાં તાત્કાલિક ચાલુ કરી દો, જેથી તમારી ખાનગી વાતચીત અને ડેટા હંમેશા સુરક્ષિત રહે.
1. લિંક્ડ ડિવાઇસીસ તપાસો અને અજાણ્યા ડિવાઇસ દૂર કરો
વોટ્સએપમાં લિંક્ડ ડિવાઇસીસની સુવિધા છે, જેના દ્વારા તમે તમારું એકાઉન્ટ કમ્પ્યુટર, ટેબ્લેટ કે અન્ય ફોન પર લોગ ઇન કરી શકો છો. પરંતુ જો કોઈ હેકર તમારા એકાઉન્ટને લિંક કરી લે તો તમારી બધી ચેટ્સ તેને દેખાઈ શકે છે. આથી નિયમિતપણે લિંક્ડ ડિવાઇસીસ તપાસવી જરૂરી છે.
કેવી રીતે તપાસવું?
વોટ્સએપ ખોલો
ઉપરના ત્રણ ડોટ્સ પર ક્લિક કરો
Linked Devices પર જાઓ.
જો કોઈ અજાણ્યું ડિવાઇસ દેખાય તો તેને Log out કરી દો.
આમ કરવાથી તમારું એકાઉન્ટ ફક્ત તમારા ફોન પર જ એક્ટિવ રહેશે.
2. એડવાન્સ્ડ પ્રાઈવસી સેટિંગ્સ ઓન કરો
વોટ્સએપમાં એડવાન્સ્ડ પ્રાઈવસી સેટિંગ્સ છે, જે અજાણ્યા નંબરો પરથી આવતા મેસેજ અને કોલ્સને બ્લોક કરે છે અને હેકર્સના હુમલાથી બચાવે છે. આ ત્રણ વિકલ્પો ચાલુ કરવાથી તમારું એકાઉન્ટ વધુ સુરક્ષિત બને છે.
કેવી રીતે ઓન કરવું?
વોટ્સએપ ખોલો
ત્રણ ડોટ્સ
Settings જાઓ
Privacy Advanced Settings પર જાઓ.
આ ત્રણ વિકલ્પો ચાલુ કરો:
Block unknown account messages – અજાણ્યા નંબરોના મેસેજ બ્લોક થઈ જશે.
Protect IP address in calls – કોલ દરમિયાન તમારું IP એડ્રેસ છુપાઈ જશે.
Disable link previews – મેસેજમાં આવતી લિંકનું પ્રીવ્યૂ બંધ થઈ જશે, જેથી હેકર્સ ફિશિંગ લિંક્સ મોકલીને તમને છેતરી શકશે નહીં.
3. ટુ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરો
આ સૌથી મહત્વની સુરક્ષા છે. ટુ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ હોય તો કોઈપણ વ્યક્તિ તમારા નંબર પર OTP મેળવીને પણ તમારું એકાઉન્ટ ઍક્સેસ કરી શકશે નહીં. તેને ચાલુ કરવાથી તમારા એકાઉન્ટમાં બે સ્તરની સુરક્ષા ઉમેરાય છે.
કેવી રીતે ચાલુ કરવું?
વોટ્સએપ ખોલો
ત્રણ ડોટ્સ
Settings પર જાઓ
Account પર જાઓ
Two-step verification
Enable પર જાઓ
6 અંકનો પિન સેટ કરો અને ઇમેઇલ એડ્રેસ આપો (જેથી પિન ભૂલાઈ જાય તો રિસેટ કરી શકાય).
આ પિન વિના કોઈ પણ તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરી શકશે નહીં.
આ ત્રણ સેટિંગ્સ ચાલુ કરવાથી તમારું વોટ્સએપ એકાઉન્ટ લગભગ અજેય બની જશે. હેકર્સને તમારા એકાઉન્ટમાં પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જશે. આજે જ તમારા ફોનમાં આ સેટિંગ્સ ચેક કરો અને ઓન કરી દો. તમારી ડિજિટલ સુરક્ષા તમારા હાથમાં છે!





















