Home Tech/Gadgets What To Do If Your Phone Gets Wet In Water Follow These Tips To Protect Your Phone From Water

ફોન પાણીમાં પલળી જાય તો શું કરવું? : હોળી હોય કે વરસાદ, ફોનને પાણીથી બચાવવા માટે આ ટિપ્સ કરો ફોલો

ફોન પાણીમાં પલળી જાય તો શું કરવું?
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 06:27 AM IST

Smartphone Tips : તહેવારોની સીઝન હોય કે અચાનક આવેલો વરસાદ, ઘણીવાર આપણો સ્માર્ટફોન પાણીમાં પલળી જતો હોય છે. હાલમાં હોળીની ઉજવણીમાં પણ ઘણા લોકોના ફોન ભીના રંગ કે પાણીના કારણે બગડ્યા હોવાના કિસ્સા બન્યા છે. ફોનની અંદર પાણી જવાથી તેમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે અને તમારો કિંમતી ડેટા ગુમાવવાનો વારો આવી શકે છે. આવી સ્થિતિમાં ગભરાવાને બદલે જો તમે સમજદારીપૂર્વક પગલાં ભરો તો ફોનને બચાવી શકાય છે.

સાવચેતી એ જ સલામતી

સૌથી ઉત્તમ રસ્તો એ છે કે, ફોન પાણીમાં પડે જ નહીં તેનું ધ્યાન રાખવું. જ્યારે પણ તમે પાણી કે રંગોની આસપાસ હોવ ત્યારે ફોનને વોટરપ્રૂફ પાઉચમાં રાખવો જોઈએ. બજારમાં મળતા પારદર્શક પાઉચનો ઉપયોગ કરીને તમે ફોન સુરક્ષિત રાખીને ફોટા પણ પાડી શકો છો. આ ઉપરાંત, ફોનના ચાર્જિંગ પોર્ટ અને સ્પીકર પર ટેપ લગાવી શકાય છે. યાદ રાખો, તમારો ફોન 'વોટર રેસિસ્ટન્ટ' હોય તો પણ વધુ પડતા પાણીમાં તે સુરક્ષિત રહેશે તેની કોઈ ગેરંટી નથી.

તત્કાલ લેવાના પગલાં

જો ફોન પાણીમાં પલળી જાય તો સૌથી પહેલું કામ તેને સ્વિચ ઓફ કરવાનું કરો. ફોન ચાલુ રહેવાથી શોર્ટ સર્કિટ થવાનું જોખમ સૌથી વધુ હોય છે. ત્યારબાદ ફોનનું કવર, સિમ કાર્ડ અને મેમરી કાર્ડ તરત જ બહાર કાઢી લો. ફોનને બહારથી કોટનના સૂકા કપડા વડે હળવા હાથે સાફ કરો જેથી વધારાનું પાણી અંદર ન જાય.

ભૂલથી પણ ન કરો આ કામ

ફોન સુકાવવા માટે ઘણા લોકો હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે, જે ખૂબ જ જોખમી છે. ડ્રાયરની ગરમ હવા ફોનના નાજુક સ્પેરપાર્ટ્સ અને ડિસ્પ્લેને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. ફોનને સુકાવવા માટે તેને હવાની અવરજવર હોય તેવી જગ્યાએ કુદરતી રીતે જ સુકાવવા દેવો જોઈએ. ઓછામાં ઓછા 24 થી 48 કલાક સુધી તેને ચાલુ કરવાનો પ્રયત્ન ન કરો.

શું ચોખા ખરેખર ઉપયોગી છે?

જૂની માન્યતા મુજબ લોકો ફોનને ચોખાના ડબ્બામાં રાખે છે, પરંતુ આ રીત હંમેશા કારગર નથી હોતી. ઉલટાનું, ચોખાના ઝીણા કણ ચાર્જિંગ પોર્ટમાં ફસાઈને તેને બગાડી શકે છે. તેના બદલે જો તમારી પાસે સિલિકા જેલ (Silica Gel) ના પેકેટ હોય, તો ફોનને એર-ટાઈટ ડબ્બામાં આ પેકેટ્સ સાથે રાખો. તે ભેજને ઝડપથી શોષી લે છે.

છેલ્લો ઉપાય : સર્વિસ સેન્ટર

જો 48 કલાક સુકાવ્યા પછી પણ ફોન ચાલુ ન થાય, અથવા તેની સ્ક્રીન પર ડાઘ દેખાય કે અવાજમાં સમસ્યા લાગે, તો તેને જાતે રિપેર કરવાનો પ્રયાસ ન કરો. ફોનને તાત્કાલિક ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પર લઈ જાઓ. ઘણીવાર અંદર રહેલો ભેજ સમય જતાં કાટ (Corrosion) પેદા કરે છે, જે ભવિષ્યમાં મોટી સમસ્યા સર્જી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now