Amul Federation Election : ગુજરાતમાં દૂધનું રાજકારણનું આજકાલનું નહીં પણ દાયકાઓ જૂનું છે. સફેદ દૂધના કરોબારમાં કરોડોનો વહીવટ છૂપાયેલો હોય છે. જેને કારણે દરેક રાજકીય પક્ષો અને રાજનેતાઓની પણ સહકાર ક્ષેત્રની આ શાખા પર નજર હોય છે. GCMMF એટલેકે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તેનું સંચાલન કરે છે. જોકે, સફેદ દૂધના રાજકારણમાં GCMMFની અંદરની ગેમ પણ સમજવા જેવી છે.
ગુજરાતનું સહકારી દૂધ ઉદ્યોગ માત્ર અર્થતંત્ર માટે જ નહીં, પણ રાજકીય રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જેને દુનિયાભરમાં "અમૂલ" તરીકે ઓળખવામાં આવે છે, એ માત્ર દૂધ અને દૂધઉત્પાદનોનું માર્કેટિંગ કરતી સંસ્થા નથી, પણ રાજ્યના સત્તાવાર અને અસત્તાવાર રાજકારણમાં વિશિષ્ટ અસર ધરાવે છે.
હાલમાં યોજાયેલી GCMMFની ચૂંટણીમાં મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને GCMMFના નવા ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે રાજકોટના ગોરધન ધામેલિયાને વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. જોકે રાજ્યમાં 18 દૂધ સંઘો હોય, તેમ છતાં, અમૂલના તાખ્તા પર વારંવાર માત્ર ચાર ડેરીઓનો જ દબદબો કેમ જોવા મળે છે એ પણ એક મોટો સવાલ છે.
કઈ ચાર ડેરીઓનો છે દૂધિયા રાજકારણમાં દબદબો?
1) મહેસાણાની દૂધસાગર ડેરી
2) બનાસકાંઠાની બનાસ ડેરી
3) સાબરકાંઠાની સાબર ડેરી
4) આણંદની અમૂલ ડેરી
કેવું છે અમૂલના તાજ માટેનું ગણિત?
GCMMFની સ્થાપના બાદથી ચેરમેનપદ માટે સતત ઉત્તર ગુજરાતની ડેરીઓનો પ્રભાવ રહ્યો છે. તાજેતરના વર્ષોમાં ખાસ કરીને ત્રણ ડેરીઓ – બનાસકાંઠાની બનાસ ડેરી, સાબરકાંઠાની સાબર ડેરી, અને મહેસાણાની દૂધસાગર ડેરી – GCMMFની રાજકીય રીતરિવાજમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તહેવારની જેમ આવતી ચેરમેનની ચૂંટણી પણ હવે રાજ્યની રાજકીય પાવર સેન્ટર, ખાસ કરીને ભાજપના સંગઠન, તરફથી નિર્ધારિત થતી જોવા મળી રહી છે. અગાઉ જ્યાં દૂધ સંઘો વચ્ચે મતગણતરી અને લોબીંગ થતી, ત્યાં હવે હાઈકમાન્ડમાંથી "મેન્ડેટ" દ્વારા નામ ફાઈનલ થાય છે.
રાજકારણમાં કઈ ડેરીઓનો છે દબદબો?
GCMMFના કુલ દૂધ સપ્લાયમાં ઉત્તર ગુજરાતની ત્રણ ડેરીઓનો હિસ્સો અંદાજે 55% જેટલો છે, જ્યારે બાકીના 15 દૂધસંઘો મળીને 45% દૂધ આપે છે. મતવિશ્લેષણ મુજબ: મહેસાણાની દૂધસાગર ડેરી સૌથી વધુ મતશક્તિ ધરાવે છે. જ્યારે બીજા ક્રમે બનાસકાંઠાની બનાસ ડેરીનો નંબર આવે છે. આ યાદીમાં સાબરકાંઠાની સાબર ડેરી ત્રીજા ક્રમે આવે છે. જ્યારે કુલ 18 દૂધ સંઘોમાંથી આ ત્રણ ડેરીઓને બાદ કરતાં બાકીના 15 દૂધ સંઘો ભેગા મળીને 45 ટકા જેટલું દૂધ આપે છે. જેના થકી આખા ગુજરાતમાં દૂધનો સપ્લાય છે. આજ સુધી GCMMFના ચેરમેન પદે જેમને બેસાડવામાં આવ્યા છે, તેમાં મોટાભાગે ઉપરોક્ત ત્રણ ડેરીઓના ચેરમેન હોય છે.
રાજકારણ અને દૂધનો મિલાપ:
GCMMFની ચૂંટણી હવે માત્ર વ્યાવસાયિક નિર્ણય નથી રહી. અમૂલ જેવી સંસ્થા જેમાં 37 લાખ પશુપાલકોનું રોજગાર જોડાયેલું છે અને જે દરરોજ 263 લાખ લીટર દૂધ એકત્ર કરે છે, તેની આગેવાની કોના હાથમાં જાય એ રાજકીય રીતે પણ અતિ મહત્વ ધરાવે છે. તાજેતરના ચૂંટણી પરિણામે સ્પષ્ટ છે કે અમૂલની આગેવાની હવે સરકાર અને સંગઠન નક્કી કરે છે. ચેરમેન તરીકે અશોક ચૌધરીની પસંદગી પાછળ પણ રાજકીય સમીકરણ અને "મેન્ડેટ"નો જ પ્રભાવ હતો. શંકરભાઈ ચૌધરી (બનાસ ડેરીના પૂર્વ ચેરમેન અને હાલના વિધાનસભાના અધ્યક્ષ) જેવી હસ્તીઓનો પૃષ્ઠભૂમિ ટેકો હોય ત્યારે પરિણામ આગળથી નક્કી થાય તેમ હોય છે.
ગુજરાતનો અવાજ છે GCMMF:
GCMMF – માત્ર સહકારી સંસ્થા નહીં, ગુજરાતનો સામૂહિક અવાજ છે. GCMMF, જેને આપણે અમૂલ તરીકે ઓળખીએ છીએ, એ ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટિંગ સંસ્થા છે. 18,600થી વધુ ગામડાઓમાં સહકારી મંડળી ધરાવતી આ સંસ્થા, આજે ₹80,000 કરોડથી વધુનો ટર્નઓવર ધરાવે છે. આ સંસ્થાની આગેવાની પર કેવળ દૂધ ઉત્પાદન નહીં, પણ પશુપાલકોના ભવિષ્ય, નીતિગત નિર્ણય અને રાજ્યની સહકારી સ્થિતિ પણ આધાર રાખે છે. તેથી દરેક ચૂંટણીમાં માત્ર વ્યક્તિ નહીં, પણ વિસ્તાર, જૂથ અને પક્ષોનો પ્રતિનિધિત્વ પણ હોવો જરૂરી બને છે.
સફેદ દૂધની પાછળ ચાલે છે રાજકારણની ગાડીઃ
ગુજરાતમાં દૂધ માત્ર રોજગારનું માધ્યમ નથી, એ એક રાજકીય પાવર સેન્ટર છે. GCMMF જેવી સંસ્થામાં ચેરમેન કોણ બને એ માત્ર દૂધના લિટરો પરથી નહીં, પણ રાજકીય સમીકરણ, જૂથવાદ, અને હાઈકમાન્ડના મંતવ્યથી નક્કી થાય છે. વાંસદા ડેરી કે જામનગર ડેરી પણ ધીરે ધીરે દૂધિયા રાજકારણમાં એન્ટર થઈ રહી છે. પણ હાલ માટે તો સફેદ દૂધના રાજકારણમાં છાપ ઉત્તર ગુજરાતની ચાર ડેરીઓની જ છે.
ગુજરાતની મુખ્ય ડેરીઓની કુંડળીઃ
1) મહેસાણા – દૂધસાગર ડેરી (Dudhsagar Dairy)
સ્થાપના: 1963
વિશેષતા: ગુજરાતની એક અગ્રણી સહકારી ડેરી. GCMMF (અમૂલ ગ્રુપ)ની મહત્વની સભ્ય ડેરી.
રાજકારણમાં દબદબો:
મહેસાણા જિલ્લા કો-ઓપ. યુનિયન પર સ્થાનિક રાજકીય નેતાઓનું ઊંડું નિયંત્રણ રહ્યું છે.
ભાજપ અને પાટિદાર સમાજના નેતાઓનો પ્રભાવ.
અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ પણ પૂર્વે જોડાયેલા હતા.
2) બનાસકાંઠા – બનાસ ડેરી (Banas Dairy)
સ્થાપના: 1969
વિશેષતા: ભારતની સૌથી મોટી દૂધ સંઘો પૈકીની એક. દિન પ્રતિદિન દૂધ ઉમેરણમાં અગ્રેસર.
રાજકારણમાં દબદબો:
શંકરચૌધરી (પૂર્વ મંત્રી, ભાજપ) ચેરમેન તરીકે કામગીરી કરતા રહ્યા છે.
બનાસ ડેરીના માધ્યમથી ઉત્તર ગુજરાતમાં રાજકીય પાયાનો મજબૂત આધાર બનાવ્યો છે.
ડેરીની સફળતા સ્થાનિક નેતાઓ માટે લોકપ્રિયતા નું સાધન બની છે.
3) સાબરકાંઠા – સાબર ડેરી (Sabar Dairy)
સ્થાપના: 1964
વિશેષતા: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુખ્ય ડેરી. વિવિઘ પ્રકારના દૂધ ઉત્પાદનો બનાવે છે.
રાજકારણમાં દબદબો:
પ્રદેશ સ્તરેથી લઈને ગ્રામ્ય સ્તર સુધી રાજકીય નેતાઓના સંપર્કમાં રહી છે.
સ્થાનિક રાજકારણમાં યૂનિયનની ચૂંટણી પણ ભારે રણનીતિ સાથે થાય છે.
4) આણંદ – અમૂલ ડેરી (Amul / Kaira District Co-op. Milk Union)
સ્થાપના: 1946
વિશેષતા: શ્વેતક્રાંતિનું મુખ્ય કેન્દ્ર. વર્લ્ડ ફેમસ બ્રાન્ડ “Amul” અહીંથી શરૂ થયું.
રાજકારણમાં દબદબો:
વારંવાર રાજકીય હસ્તક્ષેપથી બચાવવાનો પ્રયાસ.
ત્રિભૂવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયન જેવા દ્રષ્ટિવાન નેતાઓએ તેને વ્યાપારથી વધારે એક આંદોલન બનાવ્યું.
રાજકીય દબદબો કરતાં વ્યવસાયિક મૉડેલ વધુ અસરકારક છે.
ચારે ડેરીઓમાં બનાસ ડેરી અને દૂધસાગર ડેરી રાજકીય દબદબામાં આગળ છે, જ્યારે અમૂલ એક વ્યાવસાયિક મૉડેલ તરીકે દેશ-વિદેશમાં વધુ ઓળખાય છે. સાબર ડેરી પણ પ્રદેશ સ્તરે મહત્વની ગણાય છે.





