West Bengal Election 2026: મમતા બેનર્જીની પાર્ટી તૂણમૂલ કોંગ્રેસને આ વખતે નહીં મળે બહુમત. મતગણતરી દરમિયાન ભાજપે પાર કર્યો બહુમતનો આંકડો. પશ્ચિમ બંગાળમાં ચાલ્યો પ્રધાનમંત્રી મોદીનો જાદુ. ફરી એકવાર ભાજપ માટે ચાણક્ય સાબિત થયા અમિત શાહ. વર્ષોથી અકબંધ મમતા દીદીના કિલ્લામાં હવે ભાજપનો ભગવો લહેરાશે. પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવી લગભગ નક્કી માનવામાં આવી રહી છે. જેને કારણે દિલ્હીમાં ભાજપના કાર્યાલય પર અત્યારથી જ કાર્યકરો જલેબી બનાવીને જીતના જશ્નની તૈયારીઓ કરી રહ્યાં છે. સાંજે પ્રધાનમંત્રી મોદી દિલ્હી ભાજપ કાર્યાલય પર જીત બાદ સંબોધન કરશે. અત્યારથી જ ભાજપ દ્વારા રાજધાનીમાં વિજયોત્સવની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભાજપ હવે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી તરીકે કયા ચહેરાને જવાબદારી આપે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી રહેશે.
મમતાનો કિલ્લો ધ્વસ્ત: અમિત શાહની રણનીતિ સફળ
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને આ વખતે મોટો ઝટકો લાગ્યો છે. પ્રારંભિક વલણોથી જ ભાજપે પોતાની લીડ જાળવી રાખી હતી અને હવે તે પૂર્ણ બહુમતી તરફ આગળ વધી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેમને ભાજપના આધુનિક ચાણક્ય માનવામાં આવે છે, તેમણે બંગાળના ખૂણેખૂણે જે મહેનત કરી હતી તેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસી આ વખતે બહુમતીના આંકડાથી ઘણી દૂર રહી ગઈ છે.
દિલ્હી ભાજપ કાર્યાલય પર જશ્ન: પીએમ મોદી કરશે સંબોધન
બંગાળમાં ભવ્ય જીત નિશ્ચિત જણાતા દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય પર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકરો દ્વારા અત્યારથી જ ગરમાગરમ જલેબીઓ બનાવીને વિજયોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દિલ્હી ભાજપ કાર્યાલય પહોંચશે અને આ ઐતિહાસિક જીત બાદ કાર્યકરો તેમજ જનતાને સંબોધિત કરશે. ભાજપ દ્વારા સમગ્ર દિલ્હીમાં વિજય સરઘસ અને રોડ શોની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
હવે કોણ બનશે બંગાળના મુખ્યમંત્રી?
ભાજપની જીત નક્કી થતાની સાથે જ હવે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે બંગાળની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે. મમતા બેનર્જીના દાયકાઓ જૂના શાસનનો અંત આવ્યા બાદ ભાજપ મુખ્યમંત્રી તરીકે કોઈ સ્થાનિક ચહેરાને પસંદ કરે છે કે કોઈ નવો માસ્ટરસ્ટ્રોક રમે છે, તેના પર આખા દેશની મીટ મંડાયેલી છે. બંગાળમાં ભગવો લહેરાતા જ પક્ષમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.





