Home National Weather Update Hail Fell In Desert Of Rajasthan Dust Storms In Up Delhi And Avalanche Threat In Kashmir

રાજસ્થાનના રણમાં કરા પડ્યા : યુપી-દિલ્હીમાં ધૂળની ડમરીઓ અને કાશ્મીરમાં હિમપ્રપાતનો ખતરો

Weather Update Hail fell in desert of Rajasthan
Published by: Nirali Gohil
Last Updated: Apr 04, 2026, 04:24 AM IST

Weather Update: સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં રાજસ્થાનના રણમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ શુક્રવારે જે દ્રશ્યો જોવા મળ્યા તેણે સૌને ચોંકાવી દીધા હતા. રાજસ્થાનના સરહદી જિલ્લાઓ એવા જેસલમેર અને બિકાનેરના રણ પ્રદેશોમાં જોરદાર વરસાદની સાથે કરા પડ્યા હતા. રેતીના ઢુવાઓ પર સફેદ કરાની ચાદર પથરાઈ ગઈ હતી. આ ઉપરાંત રાજધાની જયપુર સહિત સાત જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે ચુરુમાં જોરદાર ધૂળનું તોફાન ફૂંકાયું હતું.

માત્ર રાજસ્થાન જ નહીં, પણ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પણ કુદરતનો કહેર જોવા મળ્યો. દિલ્હીમાં વહેલી સવારથી જ ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ઉત્તર પ્રદેશના વારાણસી, પ્રયાગરાજ અને જૌનપુર સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કમનસીબે, ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ અને લલિતપુરમાં હવામાન સંબંધિત દુર્ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર પણ મળી રહ્યા છે.

પંજાબ અને હરિયાણામાં વરસાદી માહોલ

ચંદીગઢ, મોહાલી અને પંચકુલા સહિતના ટ્રાયસિટી વિસ્તારમાં પણ શુક્રવારે વાતાવરણ પલટાયું હતું. પંજાબના પઠાણકોટ, ભટિંડા અને મોહાલીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પાકને લઈને ચિંતાની લહેર જોવા મળી રહી છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં 5.9 તીવ્રતાનો ભૂકંપ : 8નાં મોત, ભારત-પાકિસ્તાનમાં પણ અનુભવાયા આંચકા

પહાડી રાજ્યોમાં હિમપ્રપાત (Avalanche) ની ચેતવણી

મેદાની વિસ્તારોમાં જ્યારે વરસાદ અને તોફાન છે, ત્યારે પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં બરફબારી અને હિમપ્રપાતનો ખતરો તોળાઈ રહ્યો છે.

  • હિમાચલ પ્રદેશ: ખરાબ હવામાનને કારણે અટલ ટનલ રોહતાંગના નોર્થ પોર્ટલ પર પ્રવાસીઓનો પ્રવેશ હાલ પૂરતો સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

  • જમ્મુ-કાશ્મીર: ગાંદરબલ પ્રશાસન દ્વારા હિમપ્રપાતની આશંકાને પગલે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. લોકોને પહાડી અને બરફીલા વિસ્તારોથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.

આગામી બે દિવસ કેવું રહેશે હવામાન? (4-5 એપ્રિલની આગાહી)

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દેશના મોટાભાગના રાજ્યો માટે ભારે પડી શકે છે:

  • વરસાદની સંભાવના: ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, બિહાર અને દક્ષિણ ભારતના કેરળ, આંધ્રપ્રદેશ તથા તેલંગાણામાં વરસાદ પડી શકે છે.

  • કરા પડવાની આશંકા: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

  • વીજળીનો ખતરો: તમિલનાડુ અને કર્ણાટકના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now