ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદે અનેક રાજ્યમાં વિનાશ વર્યો છે. સોમવારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભૂસ્ખલન અને મુશળધાર વરસાદે તબાહી મચાવી હતી, જેમાં પાંચ વર્ષના બાળક સહિત 4 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી મંદિરના જૂના માર્ગ પર ભારે ભૂસ્ખલન થયું હતું, જેમાં 70 વર્ષીય યાત્રાળુનું મોત નીપજ્યું હતું અને 9 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કટરા શહેરમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે એક બુકિંગ ઓફિસ અને તેના પર બનેલું લોખંડનું માળખું ધરાશાયી થયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કટરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 184.2 મીમી વરસાદ પડ્યો છે. જમ્મુમાં ભૂસ્ખલન થતાં એક પોલીસ અધિકારી ઘાયલ થયો હતો.
વરસાદથી તબાઈ!
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદના કારણે સુતાન્હ ગામમાં એક નવપરિણીત યુગલના ઘર પર પથ્થર પડતાં તેનું મોત થયું હતું. તેમની ઓળખ સન્ની અને પલ્લુ તરીકે થઈ છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં 471 રસ્તાઓ બંધ થઈ ગયા છે. શાળાઓ બંધ અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યના હવામાન વિભાગે શિમલા, કાંગડા, ચંબા, સિરમૌર અને મંડી સહિત રાજ્યના 12 જિલ્લાઓમાંથી પાંચમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હિમાચલના મંડી જિલ્લામાં વરસાદને કારણે 242 રસ્તાઓ બંધ થઈ ગયા છે. 20 જૂને રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી વરસાદ સંબંધિત ઘટનાઓમાં 72 લોકો મૃત્યુ પામ્યા છે અને 34 ગુમ થયા છે.
દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ
સોમવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને રિજ અને પ્રગતિ મેદાન સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. IMDએ મંગળવારે દિલ્હીમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની આગાહી કરી છે. આ સમય દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 32 અને 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. સોમવારે સફદરજંગ બેઝ સ્ટેશન પર શહેરનું લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ હતું. સવારે દિલ્હીમાં ભેજનું સ્તર 83 ટકા હતું, જે ઘણું વધારે છે.
બંગાળમાં ભારે વરસાદની આગાહી
IMD એ 24 જુલાઈના રોજ ઉત્તર બંગાળની ખાડી પર ઓછા દબાણવાળાની આગાહી કરી છે, જેના કારણે 23 થી 27 જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ બંગાળના દક્ષિણ 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, બાંકુરા, પુરુલિયા, ઝારગ્રામ અને હુગલી જિલ્લામાં આ સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ઉત્તર બંગાળમાં, દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઈગુડી અને અલીપુરદુઆરમાં 25 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી છે. IMDએ 27 જુલાઈ સુધી પશ્ચિમ બંગાળના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
મુંબઈમાં વરસાદથી ટ્રાફિક
મુંબઈમાં ભારે વરસાદ બાદ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર પર અસર પડી છે. સવારથી શહેરમાં વરસાદની રફ્તાર ઘટી હત, પરંતુ પૂર્વીય ભાગો અને પૂર્વીય ઉપનગરોમાં ભારે વરસાદ ચાલુ છે. પાણી ભરાઈ જવાને કારણે અંધેરી રોડ બંધ થઈ ગયો હતો. IMDએ આગામી 24 કલાક સુધી મુંબઈ અને ઉપનગરોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. કેટલાક સ્થળોએ વીજળીના કડાકા અને ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરી છે.






