Empire State Building Proposal Russian Couple: વિશ્વના સૌથી પ્રખ્યાત સ્મારકોમાં સામેલ ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર પ્રેમનો અનોખો ઇજહાર કરવાનું એક રશિયન કપલ માટે ભારે સાબિત થયું છે. બિલ્ડિંગની આશરે 1,454 ફૂટ ઊંચી ટોચ સુધી ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર અને શાંતિનો સંદેશ આપતું બેનર લહેરાવનાર કપલને હવે જેલની હવા ખાવી પડી રહી છે. રશિયન નાગરિક એન્જેલા નિકોલાઉ અને ઇવાન કુઝનેત્સોવે બુધવારે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના શિખર સુધી પહોંચીને એકબીજાને કિસ કરી હતી અને પ્રેમ તેમજ વિશ્વ શાંતિનો સંદેશ આપતું બેનર પ્રદર્શિત કર્યું હતું. જોકે, આ રોમાંચક સ્ટન્ટને અમેરિકન કાયદા હેઠળ ગંભીર ગુનો માનવામાં આવ્યો છે, જેના કારણે બંને સામે અનેક ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ ધરાવતું ‘રૂફટોપર’ કપલ
33 વર્ષીય એન્જેલા નિકોલાઉ અને 32 વર્ષીય ઇવાન કુઝનેત્સોવ, જેને સોશિયલ મીડિયા પર ‘ઇવાન બિયરકસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ‘રૂફટોપર્સ’ તરીકે ઓળખાય છે. આ સમૂહના લોકો ઊંચી ઇમારતો, સ્કાયસ્ક્રેપર્સ અને જોખમી સ્થળોએ ચઢીને ફોટોગ્રાફી, વિડિયો નિર્માણ અથવા પ્રતીકાત્મક સંદેશ આપતા હોય છે. ઇન્સ્ટાગ્રામ પર ઇવાનના પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે એન્જેલાના એકાઉન્ટને આશરે 18 લાખ લોકો અનુસરે છે. બંને અગાઉ પણ ચીન અને અમેરિકાના કેલિફોર્નિયા સહિતના વિસ્તારોમાં આવા સાહસિક સ્ટન્ટ કરી ચૂક્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
આ પણ વાંચો: તીર્થયાત્રા બની મૃત્યુયાત્રા : માત્ર 11 વર્ષના બાળકે પિકઅપ ટ્રકથી બૌદ્ધ ભિક્ષુકોના સમૂહને કચડ્યો, 9ના મોત
વિશ્વ શાંતિનો સંદેશ આપતું બેનર લહેરાવ્યું
એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના શિખર પર પહોંચ્યા બાદ કપલે કાળા રંગનું વિશાળ બેનર ખોલ્યું હતું, જેના પર લખેલું હતું કે, "જ્યારે પ્રેમની શક્તિ સત્તાના પ્રેમને હરાવે છે, ત્યારે વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય છે." આ સંદેશ સાથે બંનેએ જાહેરમાં પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો અને એકબીજાને કિસ કરી હતી. જોકે, આ સમગ્ર ઘટનાને કાયદાકીય રીતે ગેરકાયદેસર પ્રવેશ અને જાહેર સુરક્ષા માટે જોખમી માનવામાં આવી રહી છે.
પોલીસે ડ્રોન અને હેલિકોપ્ટર વડે ચલાવ્યું ઓપરેશન
ન્યૂયોર્ક પોલીસ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા સમગ્ર ઘટનાની દેખરેખ રાખવામાં આવી હતી. પછી પોલીસની વિશેષ ઇમર્જન્સી સર્વિસ યુનિટ, જે ઊંચી ઇમારતો અને જોખમી વિસ્તારોમાં બચાવ કામગીરી માટે જાણીતી છે, તેણે બંનેને સુરક્ષિત રીતે નીચે ઉતારી ધરપકડ કરી હતી. અધિકારીઓ હાલમાં તપાસ કરી રહ્યા છે કે બંને બિલ્ડિંગના સૌથી ઉપરના પ્રતિબંધિત વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યા અને સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી રહી.
આ પણ વાંચો: મ્યાનમારમાં એરસ્ટ્રાઈક : રાખાઈનમાં 27 બોમ્બ ઝીંકતા તબાહી, બાંગ્લાદેશ સરહદ પર હાઈએલર્ટ
અનેક ગંભીર આરોપો હેઠળ નોંધાયો કેસ
ન્યૂયોર્ક કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર કપલ સામે ગેરકાયદેસર પ્રવેશ, જોખમી વર્તન, મિલકતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ, સુરક્ષા નિયમોનો ભંગ, અવ્યવસ્થા ફેલાવવી તેમજ ખાસ સાધનોના ગેરકાયદેસર ઉપયોગ સહિત અનેક આરોપો નોંધવામાં આવ્યા છે. બંનેને ધરપકડ બાદ અલગ-અલગ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ મેનેજમેન્ટનું નિવેદન
આ સમગ્ર ઘટનાને લઈને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના સંચાલકોએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે પ્રેમી યુગલો માટે બિલ્ડિંગના ઓબ્ઝર્વેશન ડેક પર કાયદેસર અને સુરક્ષિત રીતે સગાઈ અથવા લગ્ન પ્રસ્તાવ મૂકવાની સુવિધા પહેલેથી જ ઉપલબ્ધ છે. સંચાલકોએ હળવા અંદાજમાં કહ્યું કે, વિશ્વપ્રસિદ્ધ ઇમારત પર યાદગાર પ્રપોઝલ માટે જોખમ ઉઠાવવાની જરૂર નથી, કારણ કે બિલ્ડિંગની સત્તાવાર મુલાકાત દરમિયાન પણ આ ક્ષણને ખાસ બનાવી શકાય છે.
1931માં ખુલેલી વિશ્વપ્રસિદ્ધ ઇમારત ફરી ચર્ચામાં
1931માં શરૂ થયેલું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ એક સમય વિશ્વની સૌથી ઊંચી ઇમારત તરીકે ઓળખાતું હતું. હોલીવૂડની લોકપ્રિય ફિલ્મ ‘કિંગ કોંગ’માં પણ આ ઇમારતનું વિશેષ સ્થાન રહ્યું છે. હવે આ ઐતિહાસિક ઇમારત ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે કારણ છે પ્રેમનો અનોખો પ્રસ્તાવ અને તેના પરિણામે સર્જાયેલી કાયદાકીય કાર્યવાહી.





