Vivo X300 Ultra and X300 FE : સ્માર્ટફોન માર્કેટમાં લોકપ્રિય બ્રાન્ડ Vivo ફરી એકવાર ભારતીય યુઝર્સ માટે ખુશખબર લઈને આવી છે. કંપની ટૂંક સમયમાં તેની પ્રીમિયમ X300 સિરીઝના બે પાવરફૂલ સ્માર્ટફોન, Vivo X300 Ultra અને Vivo X300 FE ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સ્માર્ટફોન્સને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર પણ લિસ્ટ કરવામાં આવ્યા છે, જે સૂચવે છે કે તેનું લોન્ચિંગ ખૂબ જ નજીક છે.
ભારતમાં ટૂંક સમયમાં એન્ટ્રી
હાલમાં આયોજિત MWC માં Vivo X300 Ultra રજૂ કરવામાં આવ્યો હતો. ચીનમાં તેને અગાઉ જ લોન્ચ કરી દેવામાં આવ્યો છે, અને હવે કંપનીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે, આ ફોન ભારતની ધરતી પર પણ પગ મૂકશે. આ સાથે Vivo X300 FE મોડલ પણ લાવવામાં આવશે.
ડિઝાઇન અને ઉપલબ્ધતા
કંપનીએ ભારતની સત્તાવાર વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર આ બંને સ્માર્ટફોન માટે અલગથી માઇક્રોસાઇટ્સ લાઈવ કરી દીધી છે. આ ફોન્સની ડિઝાઇન મોટાભાગે તેમના ચાઇનીઝ વેરિઅન્ટ જેવી જ હશે. Vivo X300 Ultra માં ગોળ કેમેરા મોડ્યુલ જોવા મળશે, જ્યારે X300 FE માં પિલ-આકારનું (કેપ્સ્યુલ જેવું) કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે.
ડિસ્પ્લે અને પ્રોસેસર
Vivo X300 Ultra માં 6.82-ઇંચની મોટી LTPO OLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્પીડ અને પરફોર્મન્સ માટે તેમાં Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર અને Adreno 840 GPU આપવામાં આવ્યું છે. આ ફોન 16 GB સુધીની RAM અને 1 TB સુધીની સ્ટોરેજ સાથે આવી શકે છે. બીજી તરફ, X300 FE માં Snapdragon 8 Gen 5 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કેમેરા ક્વોલિટી
ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોન વરદાન સમાન છે. Ultra મોડલમાં Zeiss-ટ્યુન્ડ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 200mp નો મુખ્ય કેમેરો, 200mp નો પેરિસ્કોપ ટેલિફોટો અને 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 50mp નો શાનદાર ફ્રન્ટ કેમેરો સામેલ છે. ખાસ વાત એ છે કે, તેમાં એક્સટર્નલ ટેલિફોટો કન્વર્ટર કીટનો સપોર્ટ પણ મળશે.
બેટરી અને સુરક્ષા
પાવરની વાત કરીએ તો, Vivo X300 Ultra માં 7,000 mAh ની વિશાળ બેટરી છે જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જ્યારે FE મોડલમાં 6,500 mAh ની બેટરી આપવામાં આવી છે. સુરક્ષા માટે ફોનમાં અત્યાધુનિક ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ઉપલબ્ધ છે.





