ભાવનગર પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા થયા છે, જ્યારે એક આરોપીએ પોલીસ વાનમાં જ રીલ બનાવીને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર વાયરલ કરી. આ ઘટનાએ સોશિયલ મીડિયા અને જનતામાં ભારે ચર્ચા જગાવી છે.
રાહુલ મકવાણા ઉર્ફે 'બદમાશ રાજા'ની રીલ
જે વ્યક્તિએ પોલીસ વાનમાં રીલ બનાવી છે તેની ઓળખ રાહુલ મકવાણા ઉર્ફે 'બદમાશ રાજા' તરીકે થઈ છે. તે શહેરના કલચરિયા પરાના પોપટનગર વિસ્તારનો રહેવાસી છે. રીલમાં તે પોલીસ વાનની અંદર બેઠેલો જોવા મળે છે અને તેણે આ રીલ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ કરી હતી. આ વિડીયો વાયરલ થતાં જ લોકોએ પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યા છે.
કલચરિયા પરા વિસ્તાર ચર્ચામાં
આ ઘટના સાથે જ કલચરિયા પરા વિસ્તાર પણ ફરી ચર્ચામાં આવ્યો છે. આ વિસ્તારમાં દારૂ, ગાંજો અને અન્ય નશીલા પદાર્થોના વેચાણ અંગે અનેક ફરિયાદો અગાઉ પણ ઉઠી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પણ આ વિસ્તારમાં સવાલો ઊભા થયા હતા.
પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ થવી એ પોલીસ તંત્રની બેદરકારી અને શિથિલતા દર્શાવે છે. આ ઘટના એ વાતનો પુરાવો છે કે આરોપીઓ કાયદાનો કોઈ ડર રાખતા નથી અને ખુલ્લેઆમ આવી હરકતો કરે છે. પોલીસ વાનમાં જ રીલ શૂટ થવી એ સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામી સૂચવે છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે સખત પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.






