Home Gujarat Naswadi Forest Fire Fourth Incident Wildlife Loss Chhota Udepur News

નસવાડીમાં આગનું ખૌફનાક સ્વરૂપ : 15 દિવસમાં ચોથીવાર જંગલ સળગ્યું, હજારો વૃક્ષો અને વન્યજીવો હોમાયા

Nasvadi Forest Fire
Published by: Nirali Gohil
Last Updated: Apr 04, 2026, 07:03 AM IST

Nasvadi Forest Fire: નસવાડી પંથકમાં આવેલા કુકરદા, નારાધા અને રાતાકાદવ જેવા જંગલ વિસ્તારો અત્યારે આગના ગોળામાં ફેરવાઈ ગયા છે. ભરબપોરે અચાનક ફાટી નીકળેલી આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઉનાળાની શરૂઆત હોવાથી જંગલમાં સૂકું ઘાસ અને પાંદડાઓનો જથ્થો મોટા પ્રમાણમાં હોય છે, જેમાં તેજ પવને ઘી હોમવાનું કામ કર્યું છે. ડુંગરાળ અને દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિને કારણે આગ અત્યંત ઝડપથી પ્રસરી રહી છે, જેને કારણે વન વિભાગ માટે તેને કાબૂમાં લેવી પડકારજનક બની રહી છે. આ ભીષણ આગને કારણે પર્યાવરણને કલ્પના બહારનું નુકસાન પહોંચ્યું છે. હજારોની સંખ્યામાં સાગ અને અન્ય કિંમતી વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે. એક સમયે હરિયાળા દેખાતા નસવાડીના ડુંગરો અત્યારે આગની ઝપેટમાં આવીને કાળાડિબામ દેખાવા લાગ્યા છે. વન્યજીવ પ્રેમીઓમાં આ ઘટનાને પગલે ભારે આક્રોશ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે.

મૂંગા પક્ષીઓ અને વન્યજીવોનો કરુણ અંજામ

જંગલની આ ભીષણ આગ માત્ર વૃક્ષો અને વનસ્પતિ પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેણે અસંખ્ય મૂંગા જીવોનો અત્યંત કરુણ અંજામ આણ્યો છે. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે ઊંચા વૃક્ષો પર વસતા પક્ષીઓને બચવાની તક પણ મળી ન હતી; પક્ષીઓના માળા અને તેમાં રહેલા નિર્દોષ બચ્ચાઓ જોતજોતામાં ભસ્મીભૂત થઈ ગયા છે. માત્ર આકાશમાં ઉડતા પક્ષીઓ જ નહીં, પણ જમીન પર વસતા નાના જીવજંતુઓ અને સરિસૃપો જેવા કે સાપ અને ગરોળીઓનો પણ આ આગમાં સોથ વળી ગયો છે. વન્યજીવોના વર્ષો જૂના કુદરતી રહેઠાણો પળવારમાં નાશ પામતા સમગ્ર વિસ્તારની જૈવવિવિધતા (Biodiversity) પર ગંભીર ખતરો ઊભો થયો છે, જે પર્યાવરણના સંતુલન માટે અત્યંત ચિંતાજનક બાબત છે.

આ પણ વાંચો: સેલવાસમાં મોટી દુર્ઘટના : સ્કૂલથી 30 મીટર દૂર ગોડાઉનમાં બ્લાસ્ટ, 3 ના મોત

વન વિભાગની તપાસ: કુદરતી આફત કે માનવસર્જિત ષડયંત્ર?

ટૂંકા ગાળામાં એક જ પંથકમાં વારંવાર લાગતી આગને કારણે વન વિભાગ હવે શંકાની નજરે જોઈ રહ્યો છે. સામાન્ય રીતે પાનખર ઋતુમાં સૂકા પાંદડાના ઘર્ષણથી આગ લાગતી હોય છે, પરંતુ ૧૫ દિવસમાં ૪ મોટી ઘટનાઓ સામાન્ય ગણી શકાય તેમ નથી. નસવાડી વન વિભાગની ટીમ હાલમાં ખાનગી રાહે તપાસ કરી રહી છે કે, આ આગ કુદરતી રીતે લાગી છે કે પછી કોઈ અસામાજિક તત્વો દ્વારા જાણીજોઈને લગાડવામાં આવી છે? જો કોઈની સંડોવણી જણાશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સ્થાનિકોને સાવધ રહેવા અપીલ

હાલમાં વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનો આગ ઠારવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વન વિભાગ દ્વારા આસપાસના ગામના લોકોને અપીલ કરવામાં આવી છે કે જંગલ વિસ્તારમાં બીડી કે સળગતી વસ્તુઓ ન ફેંકે અને જો કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક તંત્રને જાણ કરે. જો આગની આ ઘટનાઓ પર વહેલી તકે અંકુશ નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિસ્તારનું નૈસર્ગિક સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now