Home Utilities Get 5kg Lpg Cylinder Without Address Proof Indane Bharat Hp Gas News

LPG સિલિન્ડર મેળવવું હવે સાવ સરળ : એડ્રેસ પ્રૂફ વગર જ મળી જશે 5 કિલોનો 'છોટુ' ગેસ, ખાલી બાટલો પરત કરવા પર પણ મળશે પૈસા

LPG Chhotu Cylinder
Published by: Nirali Gohil
Last Updated: Apr 04, 2026, 08:29 AM IST

5 KG LPG Chhotu Cylinder: વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં આવતી અસ્થિરતા અને પશ્ચિમ એશિયાના યુદ્ધ જેવી સ્થિતિને કારણે એલપીજી ગેસના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં 14.2 કિલોનો મોટો સિલિન્ડર લેવો દરેક માટે શક્ય હોતો નથી. આ સમસ્યાના ઉકેલ રૂપે ઇન્ડિયન ઓઈલ (Indane), ભારત પેટ્રોલિયમ (Bharatgas) અને એચપી ગેસ (HP Gas) દ્વારા 5 કિલોના નાના સિલિન્ડર બજારમાં મૂકવામાં આવ્યા છે. આ સિલિન્ડરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે લેવા માટે તમારે કોઈ લાંબી કાગળિયાની પ્રક્રિયા કે કાયમી એડ્રેસ પ્રૂફ (Address Proof) આપવાની જરૂર નથી. માત્ર એક માન્ય ઓળખપત્ર (ID Proof) બતાવીને તમે તુરંત ગેસ કનેક્શન મેળવી શકો છો.

આ સુવિધા ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થઈ રહી છે જેઓ ભણવા માટે બીજા શહેરમાં જાય છે, અથવા એવા નોકરિયાત વર્ગ માટે જેમને વારંવાર ઘર બદલવું પડતું હોય છે. એડ્રેસ પ્રૂફની અનિવાર્યતા ન હોવાને કારણે 'ફ્રી ટ્રેડ એલપીજી' (FTL) કેટેગરીમાં આવતા આ સિલિન્ડર અત્યારે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે.

ભારતગેસ મિની અને ઇન્ડેન: માત્ર 2 કલાકમાં ડિલિવરી

ભારતગેસ મિની (Bharatgas Mini) કનેક્શન લેવાની પ્રક્રિયા અત્યંત પારદર્શક છે. ગ્રાહકો નજીકના ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને સિક્યુરિટી ડિપોઝિટ ભરી તુરંત સિલિન્ડર મેળવી શકે છે. કંપનીએ ગ્રાહકોની સુવિધા માટે ટોલ-ફ્રી નંબર 1800 22 4344 પણ જાહેર કર્યો છે, જેના પર કોલ કરીને ઘરે બેઠા ગેસ મંગાવી શકાય છે. કેટલાક શહેરોમાં તો કંપની માત્ર 2 કલાકમાં ડિલિવરી આપવાનો દાવો કરે છે.

આ પણ વાંચો: યુદ્ધની આગ હવે તમારી થાળી સુધી! : હોટલમાં જમવાનું થશે વધુ મોંઘું? જાણો બિલમાં કેટલો વધારો

બીજી તરફ, ઈન્ડેન મિની (Indane Mini) પણ ગેસ એજન્સીઓ ઉપરાંત પસંદગીના કરિયાણા સ્ટોર્સ અને રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. આધાર કાર્ડ કે પાન કાર્ડ જેવા દસ્તાવેજોના આધારે આ સિલિન્ડર ખરીદી શકાય છે. ઓનલાઈન બુકિંગ અને મોબાઈલ એપ દ્વારા રીફિલ કરાવવાની સુવિધા પણ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

એચપી ગેસનું 'અપ્પુ' કનેક્શન અને ડિજિટલ બુકિંગ

એચપી ગેસ પણ તેના 'અપ્પુ' (Appu) સિલિન્ડર દ્વારા ગ્રાહકોને ઝડપી સેવા આપી રહ્યું છે. ગ્રાહકો એચપી પે (HP Pay) એપ, વોટ્સએપ અથવા મિસ્ડ કોલ દ્વારા મિનિટોમાં સિલિન્ડર બુક કરી શકે છે. પ્રથમ વખત કનેક્શન લેતી વખતે રેગ્યુલેટર અને સિલિન્ડરના પૈસા ચૂકવવા પડે છે, પરંતુ ત્યારબાદ માત્ર ગેસ રીફિલના જ પૈસા આપવાના હોય છે. આ સિલિન્ડર પેટ્રોલ પંપ પર પણ ઉપલબ્ધ હોવાથી ઈમરજન્સીના સમયે ગેસ માટે ક્યાંય ભટકવું પડતું નથી.

આર્થિક ફાયદો: સિલિન્ડર પરત કરવા પર મળશે રિફંડ

આ કનેક્શન લેતી વખતે ગ્રાહકોએ શરૂઆતમાં આશરે ₹1300 થી ₹1500 ખર્ચવા પડે છે, જેમાં ₹1100 થી ₹1200 સિક્યુરિટી ડિપોઝિટ તરીકે હોય છે. આ યોજનાનું સૌથી મોટું જમા પાસું એ છે કે જો ભવિષ્યમાં તમારે આ કનેક્શનની જરૂર ન હોય, તો તમે સિલિન્ડર એજન્સીને પરત કરી શકો છો. એજન્સીના નિયમો મુજબ, તમને તમારી જમા રકમના અંદાજે 50% જેટલા પૈસા પાછા મળી જાય છે. આમ, આ કનેક્શન આર્થિક રીતે પણ ગ્રાહકો માટે સુરક્ષિત અને ફાયદાકારક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now