રાજકોટ શહેરમાં 16 માર્ચ, 2026ના રોજ બનેલી દલિત યુવકની હત્યાના ચકચારી કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય આરોપી હમીર જોગરાણાને પોલીસે અંકલેશ્વરથી ઝડપી પાડ્યો છે. અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે હવે મુખ્ય આરોપીની ધરપકડ બાદ તપાસને વધુ વેગ મળ્યો છે.
સમાધાનના બહાને અપહરણ કરીને હત્યા
પોલીસ તપાસ મુજબ, મૃતક ભાવેશ વણવી અને આરોપી હમીર જોગરાણા એક યુવતીના પરિચયમાં હતા. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર વિવાદ થતો હતો. અંતે મામલો ઉગ્ર બનતા સમાધાન માટે બોલાવવામાં આવ્યો, પરંતુ ત્યાંથી ઘટનાએ વળાંક લીધો. આરોપીઓએ ભાવેશનું અપહરણ કરી તેની પર હુમલો કરીને હત્યા કરી દીધી હતી.
રૂપિયા 5 લાખની માંગણી બની કારણ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક દ્વારા આરોપી પાસે રૂપિયા 5 લાખની માંગણી કરવામાં આવી હતી. જેના કારણે આરોપીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને અંતે આ ગંભીર ઘટના બની હતી.
અગાઉ ત્રણ આરોપીઓ ઝડપાયા
આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને પહેલા જ ત્રણ આરોપીઓ રવિ જોગરાણા, ગોપાલ જોગરાણા અને સાગર જોગરાણાની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી હમીર જોગરાણા છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતો, જેને ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢીને અંકલેશ્વરથી પકડી પાડ્યો છે.
તપાસ હવે SC/ST સેલને સોંપાશે
રાજકોટ શહેરના એસીપી ક્રાઈમ ભરત બસિયાના જણાવ્યા મુજબ, આ કેસની આગળની તપાસ DySP SC/ST સેલને સોંપવામાં આવી શકે છે. હાલમાં પોલીસે અન્ય બે ફરાર આરોપીઓને પકડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ચોંકાવનારી ચોરી : રૂ. 10.80 લાખના દાગીના ઉઠાવ્યા, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
આરોપી અને મૃતક બંનેનો ગુનાહિત ઇતિહાસ
પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી હમીર જોગરાણા સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયા છે. જ્યારે મૃતક ભાવેશ સામે પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં આશરે 7 જેટલા ગુના નોંધાયેલા હતા. પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ હતી. પાસામાંથી છૂટ્યા બાદ થોડા જ સમયમાં આ હત્યાની ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.





