રાજકોટ શહેરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લાખો રૂપિયાના દાગીનાની ચોરી પાછળ કોઈ રીઢો ગુનેગાર નહીં, પરંતુ એક 13 વર્ષની સગીરાનું નામ સામે આવ્યું છે. આ બનાવ રોલેક્સ રોડ નજીક સરદાર ચોક પાછળ આવેલા સત્યમપાર્ક શેરી નંબર-2 વિસ્તારમાં બન્યો હતો.
કેવી રીતે બની ઘટના?
મળતી માહિતી મુજબ, ઘનશ્યામભાઈ અરવિંદભાઈ ડોબરીયા (ઉંમર 37), જે સાબુનો વેપાર કરીને ગુજરાન ચલાવે છે, તે 1 એપ્રિલના રોજ બપોરે કામ માટે બહાર ગયા હતા. સાંજે ઘરે પરત ફરતા તેમની પત્ની પારૂલબેને જણાવ્યું કે બપોરથી સાંજ સુધી ઘરના દરવાજા ખુલ્લા રહ્યા હતા. તે દરમિયાન ઘરમાં રાખેલું પર્સ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
ઘરમાં તપાસ કરતાં ખબર પડી કે પર્સમાં રાખેલા દાગીના ગાયબ હતા. તેમાં અંદાજે ચાર તોલાનો સોનાનો હાર, બે તોલાનું મંગળસૂત્ર, બે તોલાનો પોચો, બે સોનાની બુટી અને એક સોનાનો ટીકો સામેલ હતા. કુલ મળીને આશરે 9 તોલા સોનાના દાગીના, જેની કિંમત લગભગ ₹10.80 લાખ થાય છે, ચોરી થઈ ગયા હતા. આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત ભાજપના લઘુમતી મોર્ચાની નવી ટીમ તૈયાર : ચૂંટણી પહેલા BJPએ વસિમ શેખ, મોહમ્મદ મલેક સહિત અનેક મુસ્લિમ આગેવાનોની આપી મોટી જવાબદારી
પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા
પોલીસ તપાસ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસો થયો કે આ ચોરી કોઈ વ્યાવસાયિક ચોરે નહીં, પરંતુ નજીકમાં રહેતી 13 વર્ષની સગીરાએ કરી હતી. માહિતી અનુસાર, ફરિયાદીના ઘરે નજીકમાં જ એક દંપતી છેલ્લા 15 દિવસથી ભાડે રહેવા આવ્યું હતું. તેમની પુત્રીને ઘરના દરવાજા ખુલ્લા જોઈ તક મળી અને તેણે પર્સ લઈને ફરાર થઈ ગઈ હતી.
પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને પાડોશી પાસેથી ચોરી ગયેલા તમામ દાગીના રિકવર કરી લીધા છે. હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવે શહેરમાં સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાઓ ઉભી કરી છે.





