Israel Strikes Syria: સીરિયન સેનાને સુવૈદાથી પીછેહઠ કરવાની ચેતવણી આપ્યા બાદ ઇઝરાયલે આ કાર્યવાહી કરી છે. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને કહ્યું કે સુવૈદામાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે.
ઈરાન પછી, હવે ઇઝરાયલે સીરિયા સામે યુદ્ધની ઘોષણા કરી છે.
ઇઝરાયલી સેનાએ બુધવારે (16 જુલાઈ 2025) સીરિયાની રાજધાની દમાસ્કસમાં સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય અને રાષ્ટ્રપતિ મહેલ નજીક ડ્રોન હુમલા કર્યા. આ હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યારે આ હુમલો કરવામાં આવ્યો ત્યારે ટીવી એન્કર નજીકની એક ઇમારતમાં લાઈવ પ્રસારણ કરી રહી હતી. તે જ સમયે, એક જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે એન્કર ગભરાઈને બહાર ભાગી.
ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે X પર આ વીડિયો શેર કરીને હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે દમાસ્કસમાં સીરિયન લશ્કરી મુખ્યાલયના પ્રવેશદ્વારને નિશાન બનાવવામાં આવ્યો છે. સીરિયન સેનાને સુવૈદાથી પીછેહઠ કરવાની ચેતવણી આપ્યા બાદ ઇઝરાયલે આ કાર્યવાહી કરી છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને કહ્યું, "હવે અમારી ચેતવણીઓ પૂરી થઈ ગઈ છે. હવે અમે દમાસ્કસમાં પીડાદાયક પ્રહારો કરીશું. ઇઝરાયલી સંરક્ષણ દળ (IDF) સુવાયદામાં બળપૂર્વક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે."
ઇઝરાયલે તાજેતરમાં દક્ષિણ સીરિયાના સુવાયદામાં સ્થાનિક સુરક્ષા દળો અને ડ્રુઝ સમુદાય વચ્ચેની અથડામણમાં હસ્તક્ષેપ કર્યો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે IDF સીરિયામાં ડ્રુઝ સમુદાયનું રક્ષણ કરશે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે ઇઝરાયલે સીરિયા પર હુમલો કર્યો છે. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાનના જણાવ્યા અનુસાર, ડ્રુઝ સમુદાય અને સીરિયન સુરક્ષા દળો વચ્ચે યુદ્ધવિરામ તૂટી ગયા પછી આ હુમલા કરવામાં આવ્યા હતા. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું, IDF સીરિયન સુરક્ષા દળો પર હુમલો કરવાનું ચાલુ રાખશે જ્યાં સુધી તેઓ તેમના વિસ્તારમાંથી ખસી ન જાય. જો આમ કરવામાં નહીં આવે, તો ટૂંક સમયમાં વધુ ઘાતક હુમલા કરવામાં આવશે.






