Gujarat Election 2026: ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ-પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં જબરદસ્ત સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. 44 બેઠકો માટે યોજાનારી આ જંગમાં અત્યાર સુધી જે આંકડાઓ સામે આવ્યા છે, તેણે સૌને ચોંકાવી દીધા છે.
44 બેઠકો સામે માત્ર 7 ફોર્મ: 'આપ' મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ મૌન
નગરપાલિકાની કુલ 44 બેઠકો માટે અત્યાર સુધીમાં માત્ર 7 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. નોંધવા જેવી વાત એ છે કે આ તમામ 7 ફોર્મ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભરવામાં આવ્યા છે. બીજી તરફ, સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસે હજુ સુધી પોતાના એકપણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, જેને કારણે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ચાંદખેડામાં 'લેટર બોમ્બ' : વોર્ડ પ્રમુખે પેરાશૂટ ઉમેદવારો સામે બાયો ચડાવી
પક્ષોમાં આંતરિક ખેંચતાણ અને નવી વ્યૂહરચના
બંને મુખ્ય પક્ષોમાં ટિકિટ વિતરણને લઈને ભારે કશ્મકશ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ આ વખતે સંપૂર્ણપણે નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવા જઈ રહી છે. જૂના જોગીઓને પડતા મૂકીને નવી પેઢી પર દાવ ખેલવાની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. સંગઠન સ્તરે નામો નક્કી કરવા માટે મોડી રાત સુધી મંથન ચાલી રહ્યું છે, જેના કારણે સત્તાવાર યાદીમાં વિલંબ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ભાજપનો માસ્ટરસ્ટ્રોક! : પાર્ટીમાં જોડાયાના બીજા જ દિવસે ખેડૂત નેતા રાજુ કરપડાને આ બેઠક પરથી મળી ટિકીટ
આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
11 એપ્રિલ એ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. અત્યાર સુધી શાંત જણાતી પ્રાંત કચેરી ખાતે આવતીકાલે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો મોટો ધસારો રહેવાની શક્યતા છે. શહેરમાં હાલ માત્ર એક જ ચર્ચા છે કે, "કોની કપાશે અને કોને લાગશે લોટરી?" આવતીકાલે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે વેરાવળ-પાટણના આ રાજકીય જંગમાં ખરાખરીનો જંગ કોની વચ્ચે જામશે.





