Home Gujarat Ahmedabad Chandkheda Ward Ticket Controversy Letter Viral

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ચાંદખેડામાં 'લેટર બોમ્બ' : વોર્ડ પ્રમુખે પેરાશૂટ ઉમેદવારો સામે બાયો ચડાવી

ચાંદખેડા વિસ્તારમાં રાજકીય કાર્યકર્તાઓની બેઠક
Published by: Viral Patel
Last Updated: Apr 10, 2026, 12:16 PM IST

Ahmedabad News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે અમદાવાદ શહેરના ચાંદખેડા વોર્ડમાં ટિકિટની ફાળવણીને લઈને આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ચાંદખેડા વોર્ડના પ્રમુખ જીતેન્દ્ર સોલંકીનો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે.

"નેતાઓ પાછળ ફરનારાને નહીં, પક્ષના સનિષ્ઠ કાર્યકરને ટિકિટ આપો"

વોર્ડ પ્રમુખ જીતેન્દ્ર સોલંકીએ પોતાના નિવેદનમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, માત્ર મોટા નેતાઓના ઝભ્ભા પકડીને કે તેમની આગળ-પાછળ ફરીને ચમકતા લોકોને ટિકિટ આપવી જોઈએ નહીં. તેમણે માંગ કરી છે કે પક્ષમાં વર્ષોથી પાયાનું કામ કરનારા અને સંગઠન સાથે જોડાયેલા સનિષ્ઠ કાર્યકર્તાઓને જ ટિકિટમાં પ્રાધાન્ય મળવું જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડા 'ઢોંસાનું ખીરું' કેસમાં આજે થશે પિક્ચર પુરું : બાળકીના પિતાને હોસ્પિટલથી સીધી પોલીસ લઈ ગઈ

પેરાશૂટ ઉમેદવારો સામે લાલ આંખ

ચાંદખેડા વોર્ડમાં 'પેરાશૂટ ઉમેદવાર' (બહારથી લાવીને મૂકવામાં આવતા ઉમેદવાર) ઉતારવા સામે પ્રમુખે સ્પષ્ટ ચેતવણી આપી છે. પત્રમાં જણાવ્યા અનુસાર વોર્ડમાં કોઈ પણ સંજોગોમાં પેરાશૂટ ઉમેદવાર ચલાવી લેવામાં આવશે નહીં. માત્ર સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ અને સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. નેતાઓની ભલામણથી ટિકિટ મેળવવા ઈચ્છતા લોકો સામે પાયાના કાર્યકરોમાં ભારે રોષ છે. વોર્ડ પ્રમુખ જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે જો પેરાશૂટ ઉમેદવાર લાવવામાં આવશે, તો પક્ષે તેના માઠા પરિણામો ભોગવવા પડશે.

આ પણ વાંચો: ચાંદખેડા 'ઢોંસાનું ખીરું' કેસમાં ચોંકાવનારો વળાંક : બે બાળકીના મોત પાછળ 'માનતા'?, જાણો પત્નીની ડાયરીમાંથી કયો નવો ઘટસ્ફોટ થયો

ત્રણ બેઠકો પર સસ્પેન્સ વચ્ચે વિવાદ

નોંધનીય છે કે ચાંદખેડા વોર્ડની કુલ ચાર બેઠકો પૈકી અત્યાર સુધીમાં માત્ર એક મહિલા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. બાકીના ત્રણ ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ આ 'લેટર બોમ્બ' ઝીંકાયો છે. કાર્યકરોનો આક્ષેપ છે કે લાગવગ ધરાવતા લોકો ટિકિટ પડાવવા મથામણ કરી રહ્યા છે, જેની સામે સ્થાનિક સંગઠને અત્યારથી જ મોરચો માંડ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષ હાઈકમાન્ડ આ 'લેટર બોમ્બ'ને ગંભીરતાથી લઈને સ્થાનિક કાર્યકરોની લાગણી સંતોષે છે કે પછી પોતાની જૂની પદ્ધતિ મુજબ જ ઉમેદવારો નક્કી કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now