અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 'ઢોંસાનું ખીરું' કેસમાં દરરોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. શરૂઆતમાં ફૂડ પોઇઝનિંગ માનવામાં આવતો આ કેસ હવે ગંભીર રીતે શંકાસ્પદ બની ગયો છે. તાજેતરમાં માતા-પિતાના બ્લડ રિપોર્ટમાં ઝેરી તત્ત્વ મળતા તપાસને મોટો વળાંક મળ્યો છે.
બ્લડ રિપોર્ટમાં ઝેરી તત્ત્વ મળતા કેસમાં મોટો ટ્વિસ્ટ
હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના બ્લડ સેમ્પલની તપાસ દરમિયાન એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્ત્વ મળ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઝેર સામાન્ય રીતે અનાજમાં જીવાતો નિયંત્રિત કરવા માટે વપરાય છે અને તેની અસર ગંભીર હોઈ શકે છે.
આ ખુલાસા બાદ પોલીસ હવે આ ઘટનાને ફૂડ પોઇઝનિંગ તરીકે નહીં, પરંતુ ઝેરના ઉપયોગ સાથે જોડાયેલા સંદિગ્ધ કેસ તરીકે પણ તપાસી રહી છે.
ડાયરીમાં ‘પુત્ર પ્રાપ્તિ’ની ઈચ્છા, નવા એંગલની એન્ટ્રી
પોલીસે ભાવનાના ઘરમાં તપાસ દરમિયાન એક ડાયરી જપ્ત કરી છે. આ ડાયરીમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરાઈ હોવાનો ઉલ્લેખ મળ્યો છે, સાથે જ શિવ મંદિરમાં માનતા રાખ્યાની નોંધ પણ મળી છે.
ખાસ વાત એ છે કે આ ડાયરી તે સમયની છે જ્યારે પરિવારમાં માત્ર એક દીકરી મિશ્રી હતી અને બીજી દીકરીનો જન્મ થયો નહોતો. આ માહિતીથી તપાસમાં ‘દીકરાની ઈચ્છા’ અને તેની માનસિક અસર જેવા મુદ્દાઓ પણ જોડાયા છે.
પારિવારિક તણાવ અને આર્થિક સંકડામણ પણ તપાસ હેઠળ
પોલીસ હાલ અનેક એંગલથી તપાસ કરી રહી છે. જેમાં પારિવારિક ઝઘડા, આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
‘મોડેલિંગ’ માટે મુંબઈ જવાના સંદર્ભે પણ તપાસ
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વર્ષ 2024માં વિમલ પ્રજાપતિ મુંબઈ મોડેલિંગ માટે ગયો હતો. આ માહિતી પણ પોલીસ માટે મહત્વપૂર્ણ બની છે અને તેની પૃષ્ઠભૂમિ તપાસવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સાણંદ નજીક ચરલ ગામે મોટી દુર્ઘટના : તળાવમાં નાહવા પડેલી બે કિશોરીના મોત, 2નો આબાદ બચાવ, શ્રમજીવી પરિવાર પર આફત
ખીરું નહીં, ઘરના કારણો? પોલીસ બંને એંગલ તપાસી રહી
ચાંદખેડા પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ મકવાણાના જણાવ્યા મુજબ, વિસેરા રિપોર્ટ હજી આવવાનો બાકી છે. માતા-પિતાના બ્લડ સેમ્પલ NFSUમાં તપાસ માટે મોકલાયા હતા, જેમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંક મળ્યા છે.
ઘનશ્યામ ડેરીના માલિક અને કર્મચારીઓના નિવેદન મુજબ, ઢોંસાના ખીરાથી અન્ય કોઈને કોઈ અસર થઈ નથી. તેથી પોલીસ હવે બે મુખ્ય દિશામાં તપાસ કરી રહી છે, ખીરું જવાબદાર છે કે ઘરમાં કોઈ આંતરિક કારણ છે.
સેલ્ફોસની પડીકી લાવવાનો ખુલાસો
વિમલ પ્રજાપતિએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે 27 માર્ચ 2026ના રોજ ઘઉંમાં નાખવા માટે સેલ્ફોસ (ઝેરી દવા)ની 10 પડીકી લાવ્યો હતો. જેમાંથી 8 નો ઉપયોગ કર્યો હતો અને 2 પડીકી વધારાની રહી ગઈ હતી.
આ દવાની અસરોમાં ઊંઘ આવવી સહિતના પ્રભાવ જોવા મળે છે, પરંતુ આ બાબતે ડોક્ટરનો સ્પષ્ટ અભિપ્રાય મેળવવો જરૂરી છે. આ મુદ્દો હાલ તપાસમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ઢોંસાનું ખીરું કે મોતનું મારણ? કાવતરાખોર કોણ? : બે બાળકીઓના મોત મામલે ક્રાઇમબ્રાન્ચે તપાસનો દોર સંભાળ્યો
ચાર દિવસ બાદ બાળકીનો મૃતદેહ બહાર કાઢાયો
આ કેસમાં વધુ એક ચોંકાવનારી ઘટના એ છે કે 3 મહિનાની બાળકી રાહાનો મૃતદેહ ચાર દિવસ બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે અંતિમવિધિ કરી દીધી હતી.
પરંતુ 7 એપ્રિલે FSLની હાજરીમાં મૃતદેહ બહાર કાઢી ફરી તપાસ માટે મોકલવામાં આવ્યો, જે આ કેસની ગંભીરતાને દર્શાવે છે.
FSL અને વિસેરા રિપોર્ટથી જ ખુલશે સાચું કારણ
હાલ સમગ્ર કેસનું સત્ય ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) અને વિસેરા રિપોર્ટ પર આધારિત છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે બાળકીના મોતનું ચોક્કસ કારણ શું હતું.
પોલીસે પરિવારના દાદા-દાદી સહિત તમામ નજીકના સભ્યોની પૂછપરછ શરૂ કરી છે અને દરેક એંગલથી તપાસ ચાલી રહી છે.





