Home Gujarat Ahmedabad Sanand Charal Village Lake Drowning Two Girls Ahmedabad

સાણંદ નજીક ચરલ ગામે મોટી દુર્ઘટના : તળાવમાં નાહવા પડેલી બે કિશોરીના મોત, 2નો આબાદ બચાવ, શ્રમજીવી પરિવાર પર આફત

sanand charal gam talav
Play Video
Published by: Viral Patel
Last Updated: Apr 09, 2026, 03:30 PM IST

Ahmedaabad News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચરલ ગામ પાસે આવેલા એક તળાવમાં નાહવા પડેલી બે કિશોરીઓના ડૂબી જવાથી દુઃખદ મોત નિપજ્યા છે. બંને કિશોરીઓ શ્રમજીવી પરિવારોની હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ નજીકની કંપનીમાં કામ કરતી હતી. કપડાં ધોવા માટે તળાવ પર ગયેલી ચાર દીકરીઓમાંથી બે પાણીમાં ઉતરતા અકસ્માત સર્જાયો અને બંનેને બચાવી શકાયા નહીં. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

કપડાં ધોવા ગયેલી દીકરીઓ સાથે બન્યો અકસ્માત

પ્રાપ્ત માહિતી મુજબ, સાણંદ તાલુકાના ચરલ ગામ નજીક આવેલી એક કોલોની પાસે તળાવ છે જ્યાં સ્થાનિક લોકો કપડાં ધોવા અને ન્હાવા માટે જતા રહે છે. અહીં રહેતા બિહારના શ્રમજીવી પરિવારની ચાર કિશોરીઓ કાજલ, ચાંદની, રાગિણી અને સંજના તળાવ પર કપડાં ધોવા માટે ગઈ હતી. કપડાં ધોઈ લીધા પછી ચારેય દીકરીઓ તળાવમાં ન્હાવા ઉતરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ્યમાં ડ્રગ્સની દસ્તક : ચાંગોદરમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે જમીન માલિક ઝડપાયો, રાતોરાત અમીર બનવાની લાલચ ભારે પડી

આ દરમિયાન અચાનક કાજલ અને ચાંદનીનો પગ લપસતા બંને ઊંડા પાણીમાં પહોંચી ગઈ હતી. બંનેને તરવું આવડતું ન હોવાથી તેઓ પાણીમાં ડૂબવા લાગી. આ દ્રશ્ય જોઈ અન્ય દીકરીઓએ બુમાબુમ કરી મદદ માટે આસપાસના લોકોને બોલાવ્યા. નજીકના લોકો તાત્કાલિક તળાવ તરફ દોડી આવ્યા અને બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.

ગામલોકોએ બચાવ કામગીરી કરી, પરંતુ જીવ બચાવી શકાયા નહીં

સ્થાનિક લોકો દ્વારા ઝડપથી તળાવમાંથી બંને કિશોરીઓને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા બોલાવવામાં આવી. એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી બંને કિશોરીઓની તપાસ કરી હતી, પરંતુ દુર્ભાગ્યે બંનેને મૃત જાહેર કરવામાં આવી. માહિતી મુજબ, બંને કિશોરીઓની ઉંમર અંદાજે 13 અને 15 વર્ષની હતી. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ ગામલોકોએ તેના પહેલાં જ બંનેને પાણીમાંથી બહાર કાઢી લીધા હતા.

સાણંદ જીઆઇડીસી પોલીસની કાર્યવાહી શરૂ

આ દુર્ઘટનાની જાણ થતા સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ આ બનાવ અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે પોલીસ સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતવાર તપાસ કરી રહી છે. ઘટના સમયે તળાવમાં સુરક્ષા વ્યવસ્થા કે ચેતવણીના બોર્ડ હતા કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. પોલીસે બંને કિશોરીઓના મૃતદેહોને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: ખાખી છોડી 'ખાદી' ધારણ કરી! : IPS મનોજ નિનામાએ કેસરિયો ધારણ કર્યા બાદ 3 જ કલાકમાં ભાજપે આપી ટિકિટ

પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ હોસ્પિટલ ખસેડાયા

ઘટના બાદ બંને મૃતદેહોને સાણંદ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ તળાવમાં ગામ તથા આસપાસની કોલોનીના લોકો વારંવાર કપડાં ધોવા અથવા ન્હાવા માટે આવતા રહે છે. પરંતુ તળાવના કેટલાક ભાગોમાં પાણી ખૂબ ઊંડું હોવાથી આવા અકસ્માતોની શક્યતા રહે છે.

શ્રમજીવી પરિવાર પર આફત

મૃતક બંને કિશોરીઓ બિહાર રાજ્યના શ્રમજીવી પરિવારોની હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પરિવાર સાથે સાણંદ વિસ્તારમાં રહેતા હતા અને નજીકની કંપનીમાં જમવાનું બનાવવાનું કામ કરતા હતા. ઘટનાના સમાચાર મળતા બંને પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરિવારજનો અને ઓળખીતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. દીકરીઓના અચાનક થયેલા મોતથી પરિવારજનો પર આફત આવી પડી છે. સ્થાનિક લોકો અને અન્ય કામદારો પણ ઘટનાથી દુઃખી થયા છે અને પરિવારોને સાંત્વના આપી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now