Home Gujarat Ahmedabad Ahmedabad Chandkheda Dhosa Khira Case Crime Branch Investigation

ઢોંસાનું ખીરું કે મોતનું મારણ? કાવતરાખોર કોણ? : બે બાળકીઓના મોત મામલે ક્રાઇમબ્રાન્ચે તપાસનો દોર સંભાળ્યો

અમદાવાદ ચાંદખેડા બાળકીઓના રહસ્યમય મોત કેસ પોલીસ તપાસ
Published by: Dviti Panchal
Last Updated: Apr 09, 2026, 05:17 PM IST

અમદાવાદ: ઢોંસાનું ખીરું ખાવાથી બે સગી માસુમ દીકરીઓના મોત થયા હોવાની માતા પિતાની કથની અને કરણીની તપાસમાં હવે ક્રાઈમ બ્રાન્ચે ઝંપલાવ્યું છે. ચાંદખેડામાં રહેતા વિમલ પ્રજાપતિની બે પુત્રીઓના રહસ્યમય મોત મામલે અનેક સવાલો ઉભા થયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પ્રાથમિક તપાસમાં આ ઘટના ફૂડ પોઈઝનિંગને કારણે ન થઈ હોવાનું સામે આવતા ચોંકી ઉઠેલ ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશથી ચાંદખેડા પોલીસની સાથે હવે આ મામલે ક્રાઇમબ્રાન્ચે પણ તપાસમાં ઝંપલાવ્યું છે, જેમાં સામુહિક આપઘાતનો પ્રયાસ કે ઠંડા કલેજે થયેલી હત્યાની આશંકા સેવાઈ રહી છે.

દાદા-દાદીની પૂછપરછ અને મેડિકલ સ્ટોર કનેક્શન

ક્રાઇમબ્રાન્ચે આ કેસમાં કડીઓ મેળવવા માટે મૃતક બાળકીઓના દાદા અને દાદીની પૂછપરછ હાથ ધરી છે. તપાસ દરમિયાન એક મહત્વની વિગત સામે આવી છે કે બાળકીઓના નાના મેડિકલ સ્ટોર ધરાવે છે. પોલીસને આશંકા છે કે બાળકીઓને કોઈ એવું કેમિકલ અથવા દવા આપવામાં આવી હોઈ શકે છે જે જીવલેણ સાબિત થઈ હોય. આ દિશામાં તપાસ કરવા માટે નાનાના મેડિકલ સ્ટોરના CCTV ફૂટેજ જપ્ત કરવામાં આવ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ત્યાંથી કઈ દવાઓ લેવામાં આવી હતી તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ઢોંસા-ખીરા કાંડમાં માતા-પિતાના બ્લડનું સેમ્પલ લેતાં ફૂટ્યો ભાંડો : બાળકીઓનો પિતા વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ થશે

ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન અને આર્થિક પાસું

તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે પિતા વિમલ પ્રજાપતિ પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા સ્થાયી થવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. વિદેશ જવાના પ્લાનિંગ વચ્ચે આ પ્રકારની દુર્ઘટના પાછળ કોઈ માનસિક તણાવ, આર્થિક સંકડામણ કે પછી કોઈ પારિવારિક કલહ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.

ક્રાઇમબ્રાન્ચના સૂત્રો મુજબ: "બાળકીઓના શરીરમાં કોઈ ઝેરી તત્વ ગયું હોવાના પુરાવા મળી રહ્યા છે, જે સામાન્ય ખોરાકમાંથી આવવું અશક્ય છે. પરિવારના સભ્યોના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે."

પરિવારજનોની સંડોવણીની આશંકા

પોલીસને શંકા છે કે આ માત્ર અકસ્માત નથી, પરંતુ સુનિયોજિત કાવતરું હોઈ શકે છે. શંકાની સોય માતા-પિતા સહિત અન્ય નજીકના સંબંધીઓ તરફ પણ છે. શું આ સામુહિક આપઘાતનો નિષ્ફળ પ્રયાસ હતો? કે પછી બાળકીઓને રસ્તામાંથી હટાવવા માટેની કોઈ ક્રૂર ચાલ? ક્રાઇમબ્રાન્ચ આ તમામ પાસાઓ પર ફોરેન્સિક એક્સપર્ટની મદદથી ઝીણવટભરી તપાસ કરી રહી છે.

• FSL રિપોર્ટની રાહ: બાળકીઓના વિસેરા નમૂના રિપોર્ટ આવ્યા બાદ મોતમાં વપરાયેલા ચોક્કસ ઝેર કે કેમિકલની ઓળખ થશે.

• ડિજિટલ પુરાવા: પરિવારના સભ્યોના મોબાઈલ ફોન અને સર્ચ હિસ્ટ્રીની તપાસ કરવામાં આવી રહી છે.

• મેડિકલ સ્ટોરની વિગતો: નાનાના સ્ટોરમાંથી કયા સમયે કઈ દવાઓ ગાયબ થઈ તેની મેળવણી.

ચાંદખેડાનો આ કિસ્સો અત્યંત સંવેદનશીલ બની રહ્યો છે. બે ફૂલ જેવી બાળકીઓના અકાળે અવસાન પાછળ જો ઘરના જ સભ્યોનો હાથ નીકળશે, તો તે સમાજ માટે કલંકરૂપ ઘટના સાબિત થશે.આ મામાલની સત્તાવર રીતે તપાસ ચાંદખેડા પોલીસ કરી રહી છે પરંતુ બનાવની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓના આદેશથી અલગ થી તપાસ કરી રહેલ ક્રાઇમબ્રાન્ચ વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરી રહી છે અને ટૂંક સમયમાં આ રહસ્યમય મોત પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે.

સંબંધિત આર્ટીકલ: અમદાવાદના ચકચારી ઢોસા-ખીરા કાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ : તપાસમાં સામે આવી ઊંઘની ગોળીઓની વાત, વધુ ગૂંચવાયું રહસ્ય

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now