SurendraNagar News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપે એક આશ્ચર્યજનક અને વ્યૂહાત્મક નિર્ણય લેતા જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાને જીલ્લા પંચાયતની મૂળી-02 બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે, રાજુ કરપડાએ કેસરિયો ધારણ કર્યાના માત્ર 24 કલાકની અંદર જ પક્ષે તેમને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે.
કમલમ ખાતે જોડાયા અને બીજા જ દિવસે ટિકિટની લોટરી લાગી
ઉલ્લેખનીય છે કે, ગતરોજ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે પ્રદેશના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં રાજુ કરપડા વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. વર્ષોથી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા અને જમીની સ્તર પર મજબૂત પકડ ધરાવતા આ નેતાના ભાજપ પ્રવેશ બાદ એવી અટકળો હતી કે તેમને સંગઠનમાં કોઈ મોટી જવાબદારી મળશે. પરંતુ, ભાજપ હાઈકમાન્ડે તેમને સીધી જ ચૂંટણીની ટિકિટ ફાળવીને સૌને ચોંકાવી દીધા છે.
આ પણ વાંચો: કઠણથી કઠણ કાળજું કંપી ઉઠે તેવો અકસ્માત : ઊભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ કાર, ગાડીનું પતરું કાપી બહાર કાઢ્યો મૃતદેહ
રાજકીય ગરમાવો અને સ્થાનિક સમીકરણો
ભાજપના આ નિર્ણયથી સુરેન્દ્રનગરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજુ કરપડાને ટિકિટ મળતા જ અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. રાજુ કરપડાની છબી એક લડાયક ખેડૂત નેતા તરીકેની રહી છે. મૂળી વિસ્તારમાં ખેડૂત મતોનું વર્ચસ્વ હોવાથી ભાજપે આ દાવ ખેલ્યો હોય તેમ જણાય છે. પક્ષમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ ટિકિટ મળતા સ્થાનિક દાવેદારો અને અન્ય રાજકીય પક્ષોમાં સોંપો પડી ગયો છે. ભાજપ દ્વારા આ બેઠક પર મજબૂત ચેહરો ઉતારીને વિપક્ષોના મનસૂબા પર પાણી ફેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજુ કરપડાએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિત માટે અને વિકાસની રાજનીતિમાં જોડાવા માટે મેં ભાજપ પસંદ કર્યું છે. પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તેને હું સાર્થક કરીશ.
આ પણ વાંચો: ચુંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું : પૂર્વ મહામંત્રી- ધારાસભ્ય સહિત 400 થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બદલાતા સમીકરણો
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-02 બેઠક હવે હાઈપ્રોફાઈલ બેઠક બની ગઈ છે. રાજુ કરપડા જેવા સક્રિય નેતાને મેદાનમાં ઉતારતા આગામી દિવસોમાં અહીં રસાકસીભર્યો જંગ જોવા મળી શકે છે. ભાજપના આ નિર્ણયથી પક્ષમાં વર્ષોથી મહેનત કરતા કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ પક્ષની આક્રમક રણનીતિ સ્પષ્ટપણે કહી રહી છે કે તેમનું લક્ષ્ય માત્ર અને માત્ર જીત છે.
હવે જોવાનું એ રહેશે કે, ખેડૂત નેતામાંથી રાજકીય નેતા બનેલા રાજુ કરપડા મતદારોના દિલ જીતવામાં કેટલા સફળ રહે છે!





