Home International Venezuela Double Earthquake 32 Dead 700 Injured 126 Years Biggest Earthquake Rescue Operation

60 સેકન્ડમાં બે મહાભૂકંપથી વેનેઝુએલામાં વિનાશ : 32ના મોત-700થી વધુ ઘાયલ, કાટમાળમાંથી હજુ પણ સંભળાઈ રહી છે જીવતા લોકોની ચીસો

Venezuela Earthquake
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: Jun 25, 2026, 09:29 AM IST

Venezuela Earthquake: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં માત્ર એક મિનિટથી પણ ઓછા સમયમાં આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. બુધવારે સાંજે અનુક્રમે 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી અનેક શહેરોમાં ભારે વિનાશ સર્જાયો છે. પ્રાથમિક અહેવાલો મુજબ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે. અનેક લોકો હજુ પણ ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ભૂકંપની સૌથી મોટી અસર એ સમયે થઈ જ્યારે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજાના કારણે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં હાજર હતા. પરિણામે અનેક રહેણાંક ઇમારતો ધરાશાયી થતાં જાનહાનિનું પ્રમાણ વધી ગયું છે. વહીવટીતંત્રે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.

કાટમાળમાંથી હજુ પણ સંભળાઈ રહી છે જીવતા લોકોની ચીસો

ભૂકંપ બાદ બચાવ દળોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. રાતભર ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમના વડાએ જણાવ્યું હતું કે, અનેક સ્થળોએ કાટમાળ નીચે હજુ પણ લોકોના અવાજ સંભળાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 23 લોકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય લોકોને શોધવા માટે ભારે મશીનરી અને વિશેષ ટીમો સતત કામગીરી કરી રહી છે. બચાવાયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલોમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વેનેઝુએલામાં ડબલ ભૂકંપનો વિનાશક કહેર! : 7.1 અને 7.5 તીવ્રતાના જોરદાર આંચકાથી તૂટી પડી ઇમારતો, સુનામીની ચેતવણી જાહેર

126 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક

અમેરિકી જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર બંને ભૂકંપનું કેન્દ્ર રાજધાની કરાકાસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં હતું. નિષ્ણાતોના મતે આ ભૂકંપ છેલ્લા 126 વર્ષમાં દેશને અનુભવાયેલ સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક છે. સ્થાનિક મીડિયા અનુસાર, કરાકાસ એરપોર્ટની છતનો એક ભાગ તૂટી પડ્યો છે, જ્યારે અનેક સરકારી અને રહેણાંક ઇમારતોને ભારે નુકસાન થયું છે. ભૂકંપ બાદ સતત આફ્ટરશોક્સ આવતાં લોકોમાં હજુ પણ ભયનો માહોલ છે.

લોકોએ આખી રાત રસ્તા પર વિતાવી

રાજધાની કરાકાસ સહિત અનેક શહેરોમાં હજારો લોકો આખી રાત પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર રહ્યા હતા. નુકસાનગ્રસ્ત ઇમારતો ફરી ધરાશાયી થવાની ભીતિને કારણે લોકો ઘરે પરત ફરવા તૈયાર નહોતા. ધણા પરિવારો બાળકો અને જરૂરી સામાન સાથે ખુલ્લા વિસ્તારોમાં આશરો લેવા મજબૂર બન્યા હતા. વહીવટીતંત્રે લોકોને ક્ષતિગ્રસ્ત ઇમારતોથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: એક જ દિવસે અનેક દેશોમાં ભૂકંપ! : વેનેઝુએલા અને જાપાન બાદ ભારતમાં પણ અનુભવાયા આંચકા, લોકો જીવ બચાવવા રસ્તા પર દોડ્યા

સ્કૂલો બંધ, રાહત શિબિરો શરૂ

સરકારે સમગ્ર દેશમાં શાળાઓને આગામી સૂચના સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અનેક સરકારી શાળાઓને રાહત શિબિરોમાં ફેરવી દેવામાં આવી છે, જ્યાં ઘરવિહોણા પરિવારોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. લા ગુએરા સહિત સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. કાટમાળમાંથી ત્રણ બાળકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય સમુદાય મદદ માટે આગળ આવ્યો

વેનેઝુએલાની કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે દેશવ્યાપી કટોકટી જાહેર કરી છે અને અસરગ્રસ્ત લોકો માટે તમામ સંસાધનો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. તેમણે લોકોને VenApp મારફતે ગુમ થયેલા લોકો અને નુકસાનગ્રસ્ત મકાનોની માહિતી આપવા અપીલ કરી છે. ભારત સહિત અનેક દેશોએ દુઃખ વ્યક્ત કર્યું છે અને સહાયની ઓફર કરી છે. અમેરિકા, મેક્સિકો, બ્રાઝિલ, ડોમિનિકન રિપબ્લિક, અલ સાલ્વાડોર, કોલંબિયા, આર્જેન્ટિના, પેરુ, બોલિવિયા અને અન્ય દેશોએ રાહત સામગ્રી, માનવતાવાદી સહાય અને રેસ્ક્યૂ ટીમો મોકલવાની જાહેરાત કરી છે.

મૃત્યુઆંક વધવાની આશંકા

USGSના પ્રારંભિક મૂલ્યાંકન મુજબ ભૂકંપની તીવ્રતા અને નુકસાનને જોતા મૃત્યુઆંક હજુ વધી શકે છે. બચાવ કામગીરી હજુ પણ અનેક વિસ્તારોમાં ચાલુ હોવાથી કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વનવિભાગ, સેનાના જવાનો, પોલીસ, ફાયર વિભાગ અને આંતરરાષ્ટ્રીય રેસ્ક્યૂ ટીમો સતત કામગીરીમાં જોડાયેલી છે. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી દરેક સંભવિત જીવિત વ્યક્તિને બચાવી લેવામાં નહીં આવે ત્યાં સુધી બચાવ અભિયાન અટકાવવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now