લા ગુઆરા રાજ્ય 'ડિઝાસ્ટર ઝોન' જાહેર, મકાનો ધરાશાયી થતાં કાટમાળ નીચે સેંકડો લોકો દબાયા
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં એક પછી એક આવેલા બે શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝના જણાવ્યા અનુસાર, આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 164 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 971 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળ હટાવવાની સાથે જ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.
એક જ મિનિટના અંતરે આવ્યા 7.2 અને 7.5 ની તીવ્રતાના આંચકા
યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) ના અહેવાલ મુજબ, પહેલો ભૂકંપ બુધવારે સાંજે કેરેબિયન તટ પર આવેલા મોરોનથી પશ્ચિમે 170 કિલોમીટર દૂર નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 હતી. તેના બરાબર એક જ મિનિટ બાદ, એ જ વિસ્તારમાં 7.5 ની તીવ્રતાનો બીજો અત્યંત શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. આ આંચકા એટલા પ્રચંડ હતા કે વેનેઝુએલાથી અંદાજે 1,700 કિલોમીટર દૂર આવેલા બ્રાઝિલના એમેઝોન વિસ્તાર અને કોલંબિયા સુધી પણ ધરતી ધ્રુજી ઉઠી હતી.
લા ગુઆરામાં સૌથી વધુ નુકસાન, કટોકટી જાહેર
કાર્યકારી પ્રમુખે દેશમાં કટોકટી (State of Emergency) જાહેર કરી છે અને તમામ આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલોમાં હાજર થવા આદેશ આપ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા લા ગુઆરા રાજ્યને 'ડિઝાસ્ટર ઝોન' જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ડઝનબંધ ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. સોશિયલ મીડિયા અને સરકારી ટીવી પર સામે આવેલા વીડિયોમાં કાટમાળ નીચેથી 3 બાળકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
બ્લેકઆઉટ અને એરપોર્ટ બંધ
ભૂકંપના કારણે પાટનગર કારાકાસ સહિતના અનેક શહેરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને મોબાઈલ નેટવર્ક સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. સાવચેતીના ભાગરૂપે મેટ્રો સેવાઓ રોકી દેવામાં આવી છે અને ગેસ સપ્લાય બંધ કરાયો છે. દેશનું મુખ્ય સિમોન બોલિવાર ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ ક્ષતિગ્રસ્ત થવાના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. શાળા-કોલેજોમાં આગામી થોડા દિવસો માટે રજા જાહેર કરીને તેને આશ્રયસ્થાન (Shelters) માં ફેરવવામાં આવ્યા છે.
વૈશ્વિક સ્તરેથી મદદનો પ્રવાહ શરૂ
વેનેઝુએલામાં આવેલી આ આપત્તિ બાદ વિશ્વભરમાંથી મદદના હાથ લંબાવવામાં આવ્યા છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું છે કે અમેરિકા તાત્કાલિક ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ, મેડિકલ સંસાધનો અને માનવતાવાદી સહાય વેનેઝુએલા મોકલી રહ્યું છે. આ સિવાય કતાર, મેક્સિકો, ઇક્વાડોર અને અલ સાલ્વાડોર જેવા દેશોએ પણ પોતાની બચાવ ટીમો વેનેઝુએલા રવાના કરી દીધી છે.





