Home Gujarat Vasava Family On Their Way To Hospital Horrific Accident 4 Family Members Live Lost

દવાખાને જઈ રહેલા વસાવા પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત : માસૂમ બાળક સહિત એક જ પરિવારના 4 સભ્યોના મોત

Dediapada Road Accident
Published by: Nirali Gohil
Last Updated: Apr 03, 2026, 04:26 AM IST

Dediapada Road Accident: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. દેડિયાપાડાના ગંગાપુર ગામ પાસે પુરપાટ ઝડપે આવી રહેલી એક ઇકો વાનના ચાલકે બેદરકારીપૂર્વક સ્ટીયરીંગ હંકારી સામેથી આવતી મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર પરિવારના ચારેય સભ્યો રોડ પર ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં દોઢ વર્ષના માસૂમ બાળક અને 15 વર્ષીય કિશોરી સહિત કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, આ કમનસીબ પરિવાર દવાખાને જઈ રહ્યો હતો ત્યારે કાળમુખી ઇકો વાન તેમના માટે મોત બનીને આવી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા પરિવારને જોઈ સૌના કાળજા કંપી ઉઠ્યા હતા. ચીકદા તાલુકાના ઓલગામનો આ પરિવાર રવિવારની રજાના દિવસે ઘરેથી ખુશી-ખુશી નીકળ્યો હતો, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. વાન ચાલકની એક ક્ષણની બેદરકારીએ ચાર નિર્દોષ જીવ હોમી દીધા છે.

દવાખાને જઈ રહેલો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો

ઘટનાની વિગતવાર વિગતો અનુસાર, ચીકદા તાલુકાના ઓલગામ સ્થિત મંદિર ફળિયામાં રહેતા 67 વર્ષીય હાવલાભાઈ હથિયાભાઈ વસાવા બાઇક પર પોતાના પરિવારના સભ્યોને લઈને ગંગાપુર ખાતે દવાખાને જઈ રહ્યા હતા. તેમની સાથે બાઇક પર ઉમરપાડાના રૂઢિગવાણ ગામના બાજુબેન રાકેશભાઈ વસાવા, 15 વર્ષીય સુહાની વસાવા અને માત્ર દોઢ વર્ષનો માસૂમ વિરમ વસાવા સવાર હતા. પરિવાર જ્યારે ગંગાપુર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતી એક બેફામ ઇકો વાને બાઇકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઇક સવાર ચારેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા.

આ પણ વાંચો; સાડા છ કરોડ ગુજરાતીઓની રહેશે આ તારીખ પર નજર : આ એક જ દિવસમાં અનેક મોટી બાબતો કઈ રીતે પાર પડશે એ મોટો સવાલ

ત્રણના ઘટનાસ્થળે મોત, કિશોરીએ હોસ્પિટલમાં દમ તોડ્યો

આ ભયાનક અકસ્માતમાં હાવલાભાઈ, બાજુબેન અને માસૂમ વિરમ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે 15 વર્ષીય સુહાની વસાવા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક 108 મારફતે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ વિધિની વક્રતા જુઓ કે ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને તેણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.

પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી

ઘટનાની જાણ થતા જ દેડિયાપાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ચારેય મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાન ચાલકની ઘોર બેદરકારીને કારણે એક આખો પરિવાર વિખેરાઈ ગયો છે. પોલીસે અકસ્માત સર્જનાર વાન ચાલકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now