Home Gujarat Acb Trap Jamnagar Cpwd Engineer Bribe Case

જામનગરમાં ACBનો સપાટો : 4.52 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા CPWDના મદદનીશ ઇજનેર

ACB trap in Jamnagar
Published by: Viral Patel
Last Updated: Apr 02, 2026, 01:10 PM IST

Jamnagar News: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા જામનગરમાં એક મોટી કાર્યવાહી હાથ ધરીને સેન્ટ્રલ પબ્લિક વર્ક ડીપાર્ટમેન્ટ (CPWD) ના મદદનીશ ઇજનેરને લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક કામના બિલો પાસ કરવાના બદલામાં લાંચની માંગણી કરનાર અધિકારી હવે એ.સી.બી.ના સકંજામાં છે.

શું હતો સમગ્ર મામલો?

આ કેસની વિગતો મુજબ, ફરીયાદી દ્વારા કરવામાં આવેલા ઇલેક્ટ્રિક કામના બાકી બિલો પાસ કરવા માટે જામનગર સ્થિત CPWD કચેરીના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાએ લાંચની માંગણી કરી હતી. આક્ષેપીત અધિકારીએ બિલ મંજૂર કરવાના અવેજ પેટે રૂા. 4,52,000 જેવી માતબર રકમની માંગણી કરી હતી. ફરીયાદી અને તેમના મિત્ર આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેઓએ જામનગર એ.સી.બી.નો સંપર્ક કરી જાગૃત નાગરિક તરીકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

એ.સી.બી.નું સફળ છટકું

ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમ દ્વારા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સી.પી.ડબલ્યુ.ડી. (CPWD) ની કચેરી ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જ્યારે ફરીયાદી લાંચની રકમ આપવા પહોંચ્યા, ત્યારે આક્ષેપીત વિજયકુમાર મીનાએ રૂા. 4,52,000 ની લાંચ સ્વીકારી હતી. એ.સી.બી.એ ત્વરિત કાર્યવાહી કરીને આક્ષેપીત પાસેથી લાંચની સંપૂર્ણ રકમ (રૂા. 4,52,000) સ્થળ પર જ રિકવર કરી લીધી હતી. આ ટ્રેપ દરમિયાન મહત્વની વાત એ રહી કે આક્ષેપીત અધિકારીએ મોબાઈલ ફોન પર લાંચની રકમ મળી ગઈ હોવાની કબૂલાત પણ કરી હતી, જે એ.સી.બી. માટે મજબૂત પુરાવો સાબિત થશે.

કાયદેસરની કાર્યવાહી

એ.સી.બી.એ વિજયકુમાર બાબુલાલ મીના વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એ.સી.બી.ની આ કામગીરીને પગલે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કોઈ સરકારી કર્મચારી કામના બદલામાં લાંચ માંગે, તો તુરંત એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરવા જનતાને અપીલ કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now