Home Gujarat Vasad Girl Murder Accused Suresh Parmar Killed In Police Encounter Anand

બાળકીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારનાર દુષ્કર્મી એન્કાઉન્ટરમાં ઠાર : આરોપીએ હુમલો કરતા સેલ્ફ ડિફેન્સમાં પોલીસે કર્યું ફાયરિંગ

વાસદ અપહરણ હત્યા કેસ
Play Video
Published by: Vishal Dave
Last Updated: Jul 20, 2026, 05:12 AM IST

Crime News: આણંદ જિલ્લાના વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ, કથિત દુષ્કર્મ અને નિર્મમ હત્યા કેસમાં સોમવારે મોટો વળાંક આવ્યો છે. કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ બાદ સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ આરોપીએ કસ્ટડી દરમિયાન ચપ્પુ વડે પોલીસ પર હુમલો કરતાં સ્વ-બચાવમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.

પોલીસનો દાવો: આરોપીએ ચપ્પુથી હુમલો કર્યો

માહિતી મુજબ બોરસદ રૂરલ પોલીસે આરોપી સુરેશ પરમારની ધરપકડ કર્યા બાદ તેને વધુ તપાસ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમને સોંપ્યો હતો. LCBની ટીમ આરોપીને આણંદ લઈ જઈ રહી હતી ત્યારે તેણે રસ્તામાં ઉલ્ટી કરવાનું બહાનું બતાવી વાહન રોકાવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, વાહન ઊભું રહેતા જ આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુ વડે અચાનક હુમલો કર્યો. આ હુમલામાં મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના બે પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન : લો ગાર્ડન પાસે પોલીસ સાથે ઘર્ષણ; અનેકની અટકાયત

વારંવાર ચેતવણી છતાં ન અટકતા ફાયરિંગ

પોલીસના જણાવ્યા મુજબ પીએસઆઈ રાણાએ આરોપીને અનેક વખત ચેતવણી આપી હતી, પરંતુ તે ન અટકતાં અને વધુ હિંસક બનતાં સ્વ-બચાવમાં ગોળીબાર કરવો પડ્યો. ફાયરિંગમાં આરોપીને બે ગોળી વાગી હતી. ઘાયલ હાલતમાં તેને કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

શું હતી સમગ્ર ઘટના?

ગઈ રાત્રે આશરે 9:15 વાગ્યે વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. બીજા દિવસે વહેલી સવારે પ્લેટફોર્મના અંત ભાગથી આગળ રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ કચડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી બાળકીના કપડાં પણ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બાળકી સાથે કથિત દુષ્કર્મ કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે તેને ટ્રેન નીચે ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને FSLની ટીમે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ બાળકીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારનાર દુષ્કર્મી એન્કાઉન્ટરમાં ઠાર : આરોપીએ હુમલો કરતા સેલ્ફ ડિફેન્સમાં પોલીસે કર્યું ફાયરિંગ

CCTVથી મળ્યો મહત્વનો પુરાવો

વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસ સહિતની 6થી 7 ટીમોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રેલવે સ્ટેશનના CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ માસૂમ બાળકીને તેડીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. આ ફૂટેજના આધારે બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં બોચાસણ પરા વિસ્તારના રહેવાસી સુરેશ પરમારની ધરપકડ કરી હતી.

આગળની કાર્યવાહી ચાલુ

હાલ સુરેશ પરમારના મૃતદેહને કરમસદ મેડિકલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ હજી સુધી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજી નથી. પોલીસના પ્રાથમિક નિવેદન મુજબ ફાયરિંગ આત્મરક્ષણની પરિસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now