વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામે મંગળવારે (22 એપ્રિલ) એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક પીકઅપ વાન પલટી ખાઈ જતા 6 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 28 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કરી દીધો છે.
પ્રાથમિક માહિતી મુજબ, એક પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા મહેમાનો પીકઅપ વાનમાં મુસાફરી કરી રહ્યા હતા. રસ્તામાં આવેલા ચઢાણ પર વાન ચઢતી વખતે અચાનક તેની બ્રેક નિષ્ફળ થઈ ગઈ હતી. બ્રેક કામ ન કરતાં વાહન રિવર્સમાં સરકવા લાગ્યું અને ચાલકે નિયંત્રણ ગુમાવતા વાન પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતમાં 6નાં મોત, અનેક ઘાયલ
આ ગંભીર અકસ્માતમાં 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે વાનમાં સવાર અન્ય મુસાફરોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
કુલ 28 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 10 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સંસ્કારી નગરીમાં નશાના કાળા ધંધાનો પર્દાફાશ : ડમી ગ્રાહક મોકલી નશાકારક સીરપ ઝડપી લેવાઈ
સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામોના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સ્થાનિકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે ખુશીના પ્રસંગે ગયેલા લોકો પરત ફરતા આ રીતે અકસ્માતનો ભોગ બન્યા છે.





