Home Gujarat Vadodara Vadodara Drug Syrup Illegal Sale Sog Raid

સંસ્કારી નગરીમાં નશાના કાળા ધંધાનો પર્દાફાશ : ડમી ગ્રાહક મોકલી નશાકારક સીરપ ઝડપી લેવાઈ

મેડિકલ સ્ટોર પર રેડની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 22, 2026, 11:22 AM IST

વડોદરા શહેરમાં ગેરકાયદેસર દવાઓના વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલા પ્રતાપનગર મેડિકલ સ્ટોરમાં નશાકારક સીરપનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની માહિતીના આધારે SOGએ ટ્રેપ ગોઠવી સ્ટોરના સંચાલકને ઝડપ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન મેડિકલ સ્ટોરમાંથી મોટી સંખ્યામાં નશાકારક સીરપનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દવાઓના સ્રોત તથા સપ્લાય ચેન વિશે માહિતી મેળવવામાં આવી રહી છે.

ડમી ગ્રાહક મોકલી કરાઈ ટ્રેપ

મળતી માહિતી મુજબ વડોદરા શહેર પોલીસની SOGની ટીમે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોર પર ખાસ તપાસ અભિયાન શરૂ કર્યું હતું. ગેરકાયદેસર રીતે નશાકારક દવાઓ વેચાતી હોવાની બાતમીને આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ જ અભિયાન દરમિયાન વાડી વિસ્તારમાં આવેલા પ્રતાપનગર મેડિકલ સ્ટોર પર શંકા વ્યક્ત થતાં પોલીસે ડમી ગ્રાહક મોકલી ટ્રેપ ગોઠવ્યો હતો. ડમી ગ્રાહકે નશાકારક સીરપ ખરીદવાનો પ્રયાસ કરતા જ સ્ટોર સંચાલકે કોઈ માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચવાની તૈયારી બતાવી હતી. આ પછી તરત જ એસઓજી ટીમે સ્થળ પર પહોંચી સ્ટોર સંચાલકને ઝડપી પાડ્યો હતો.

મોટી માત્રામાં નશાકારક સીરપ જપ્ત

પોલીસે મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરી ત્યારે મોટી સંખ્યામાં નશાકારક સીરપ મળી આવી હતી. આ સીરપ સામાન્ય રીતે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવા કાયદેસર નથી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, જપ્ત કરાયેલી દવાઓનું તેમને પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું. હવે આ નમૂનાઓને લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ કરવામાં આવશે.પ્રાથમિક રીતે આ કેસમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો : નશીલી કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

વધતો નશાનો ખતરો

ગુજરાતનાં શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનોમાં આવી દવાઓના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં વડોદરા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે જેને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી તપાસ ચાલુ રહેશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગેરકાયદેસર નશાના નેટવર્કને તોડવાનો અને લોકોને સુરક્ષિત રાખવાનો છે.

સપ્લાય ચેન સુધી પહોંચવાનો છે પ્રયાસ

હાલમાં પોલીસે સ્ટોર સંચાલકની પૂછપરછ શરૂ કરી છે અને નશાકારક સીરપ ક્યાંથી અને કેવી રીતે સપ્લાય થતી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે મોટું નેટવર્ક સામે આવી શકે છે. વધુ આરોપીની ધરપકડ થવાની પણ શક્યતા છે. પોલીસનો ફોકસ માત્ર વેચાણ કરનાર પર નહીં પરંતુ સમગ્ર સપ્લાય ચેનને બહાર લાવવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now