Vaishno Devi Temple Silver Scam: લાખો શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થાનું કેન્દ્ર એવા વિશ્વપ્રસિદ્ધ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક એવો ખુલાસો થયો છે જેણે સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. માતાજીના ચરણોમાં ભક્તો દ્વારા અત્યંત શ્રદ્ધાપૂર્વક ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટા પાયે મિલાવટ હોવાનું સરકારી તપાસમાં બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, જે ચાંદીને ભક્તો શુદ્ધ માનીને અર્પણ કરે છે, તેમાં માત્ર 5 થી 6 ટકા જ અસલી ચાંદી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ માત્ર ધાર્મિક લાગણીઓને જ ઠેસ નથી પહોંચાડી, પરંતુ સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે પણ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.
જ્યારે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે મંદિરમાં વર્ષોથી એકઠા થયેલા ચાંદીના ચઢાવાને શુદ્ધિકરણ માટે મોકલ્યો, ત્યારે સત્ય બહાર આવતા ટ્રસ્ટના સભ્યો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ભક્તો જે ચાંદીને શુદ્ધ સમજીને ખરીદે છે, તે ખરેખર ઝેરી ધાતુઓનું મિશ્રણ નીકળ્યું છે. આ કૌભાંડથી ભક્તો અને મંદિર પ્રશાસન બંને સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થયું છે.
રૂ. 500 કરોડનું સોનું-ચાંદી બન્યું માત્ર 'લોખંડ', સરકારી ટંકશાળનો રિપોર્ટ
આ આર્થિક કૌભાંડની ગંભીરતાનો અંદાજ તેના આંકડા પરથી લગાવી શકાય છે. શ્રાઇન બોર્ડ પાસે આશરે 20 ટન જેટલી ધાતુ ચઢાવામાં એકઠી થઈ હતી. બોર્ડનું અનુમાન હતું કે, આ જથ્થાનું શુદ્ધિકરણ કરવાથી અંદાજે રૂ. 500 થી 550 કરોડની શુદ્ધ ચાંદી પ્રાપ્ત થશે. જો કે, જ્યારે આ જથ્થો દિલ્હીની સરકારી ટંકશાળ (Government Mint) માં મોકલવામાં આવ્યો, ત્યારે પરિણામ ચોંકાવનારું હતું. શુદ્ધિકરણ બાદ મળેલી ચાંદીની કિંમત માત્ર રૂ. 30 કરોડ આસપાસ જ રહી ગઈ હતી. એટલે કે આશરે 470 કરોડ રૂપિયાનો અંદાજિત જથ્થો માત્ર મિલાવટી ધાતુ નીકળ્યો છે.
70 કિલોના સેમ્પલમાંથી માત્ર 3 કિલો જ અસલી ચાંદી!
જ્યારે સરકારી ટંકશાળમાં તપાસના પ્રાથમિક તબક્કે સેમ્પલ તરીકે 70 કિલો સામગ્રીની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી, ત્યારે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. આ તપાસમાં બહાર આવ્યું કે શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલી સામગ્રીમાં 95 ટકાથી વધુ મિલાવટ હતી. માત્ર 5 ટકા જેટલી જ અસલી ચાંદી હોવાના અહેવાલે સૌને સ્તબ્ધ કરી દીધા છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ભક્તોની અતૂટ આસ્થાનો લાભ ઉઠાવીને બજારમાં કેટલા મોટા પાયે નકલી ચાંદીનું વેચાણ થઈ રહ્યું છે. આ કૌભાંડમાં મિલાવટ કરવાની રીત પણ અત્યંત ચાલાકીભરી જોવા મળી છે. ચાંદી જેવી જ આબેહૂબ ચમક ધરાવતી સસ્તી ધાતુઓ જેવી કે કેડમિયમ અને લોખંડનો તેમાં છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય શ્રદ્ધાળુઓ જ્યારે બજારમાંથી ભક્તિભાવ સાથે માતાજી માટે છત્ર, પાયલ કે સિક્કા ખરીદે છે, ત્યારે લેભાગુ વેપારીઓ શુદ્ધતાના નામે આ નકલી અને મિલાવટી ધાતુ પધરાવી દે છે. આ મિલાવટ એટલી કુશળતાપૂર્વક કરવામાં આવે છે કે સામાન્ય આંખે અસલી અને નકલી વચ્ચેનો તફાવત ઓળખવો લગભગ અશક્ય બની જાય છે.
ઝેરી ધાતુ કેડમિયમ: સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો
આ મામલો માત્ર આર્થિક છેતરપિંડી પૂરતો સીમિત નથી, તે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગંભીર ખતરો પેદા કરે છે. ચાંદીમાં કરવામાં આવતી કેડમિયમની મિલાવટ માનવ શરીર માટે સાક્ષાત યમદૂત સમાન સાબિત થઈ શકે છે. જ્યારે આ મિલાવટી ચાંદીને શુદ્ધ કરવા માટે ઓગળવામાં આવે છે, ત્યારે તેમાંથી કેડમિયમનો અત્યંત ઝેરી ધુમાડો નીકળે છે. આ ધુમાડો જો શ્વાસમાં જાય તો ફેફસાં અને કિડનીને કાયમી નુકસાન પહોંચાડે છે અને લાંબા ગાળે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે. આ જ ગંભીરતાને ધ્યાને રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ગ્રાહક ઉત્પાદનોમાં કેડમિયમના ઉપયોગ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
દોષિત વેપારીઓ સામે કડક કાર્યવાહીની માંગ
ભક્તો પોતાની પરસેવાની કમાણીમાંથી માતાજી માટે મોંઘી ચાંદીની વસ્તુઓ ખરીદે છે, પરંતુ બજારના લાલચુ વેપારીઓ આસ્થાના નામે કાળો કારોબાર ચલાવી રહ્યા છે. આ ઘટના બાદ હવે ધાર્મિક સ્થળો પર અર્પણ કરવામાં આવતી વસ્તુઓની ગુણવત્તા પર કડક નિયમો લાવવાની માંગ ઉઠી છે. જો આ રીતે જ આસ્થા સાથે ચેડા થતા રહેશે, તો ભક્તોનો વિશ્વાસ ડગમગી શકે છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ નકલી ચાંદી વેચનારા નેટવર્ક સામે કેવા કડક પગલાં ભરે છે.





