Home National India E85 Ethanol Fuel Rules Government Draft E85 Fuel Policy Details Nitin Gadkari

પેટ્રોલના ટેન્શનથી મુક્તિ! : હવે 85% ઈથેનોલથી દોડશે તમારી કાર, સરકાર લાવી રહી છે ક્રાંતિકારી E85 ફ્યુઅલ પોલિસી

E85 Fuel Ethanol
Published by: Nirali Gohil
Last Updated: Apr 22, 2026, 06:40 AM IST

E85 Fuel Ethanol: પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આસમાને પહોંચતા ભાવો વચ્ચે ભારત સરકારે ઈંધણ ક્ષેત્રે એક મોટો અને માસ્ટરસ્ટ્રોક લેવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી આપણે પેટ્રોલમાં 20% ઈથેનોલ (E20) ભેળવવાની વાત સાંભળતા હતા, પરંતુ હવે કેન્દ્ર સરકાર સીધું E85 ફ્યુઅલ લોન્ચ કરવાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ નિર્ણય માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ દેશના અર્થતંત્ર અને સામાન્ય જનતાના ખિસ્સા માટે પણ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. અહેવાલો અનુસાર, સરકાર ટૂંક સમયમાં E85 ફ્યુઅલ અંગેના નવા નિયમો જાહેર કરી શકે છે. આ માટે આંતરિક સંમતિ સધાઈ ગઈ છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેના પ્રાથમિક પરીક્ષણો પણ સફળ રહ્યા છે. આ ફેરફાર બાદ હવે ગાડીઓમાં પેટ્રોલનું પ્રમાણ નહિવત અને ઈથેનોલનું પ્રમાણ સર્વોપરી હશે.

વિદેશી ઓઈલ પરની નિર્ભરતા ઘટશે, તિજોરીને થશે મોટો ફાયદો

ભારત હાલમાં પોતાની જરૂરિયાતનું લગભગ 90% ક્રૂડ ઓઈલ વિદેશોમાંથી આયાત કરે છે, જે દેશની તિજોરી પર મોટો આર્થિક બોજ નાખે છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં વારંવાર સર્જાતી યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેલના પુરવઠા પર હંમેશા જોખમ તોળાયેલું રહે છે, જેની સીધી અને નકારાત્મક અસર ભારતીય બજાર અને મોંઘવારી પર પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે સરકાર હવે ઈથેનોલ મિશ્રણ પર ભાર મૂકી રહી છે. છેલ્લા એક દાયકામાં આ ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ જોવા મળ્યો છે. અગાઉ પેટ્રોલમાં માત્ર 1-2% ઈથેનોલ ભેળવવામાં આવતું હતું, જે આજે વધીને 15-20% સુધી પહોંચી ગયું છે. આ ઈથેનોલ બ્લન્ડિંગને કારણે ભારત અત્યાર સુધીમાં વાર્ષિક આશરે સાડા ચાર કરોડ બેરલ ઓઈલની આયાત ઘટાડવામાં સફળ રહ્યું છે. જો આગામી સમયમાં E85 (85% ઈથેનોલ) ફ્યુઅલ અમલમાં આવશે, તો આ બચત અનેકગણી વધી જશે અને ભારત ઉર્જા ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનશે.

આ પણ વાંચો: Kedarnath; 181 દિવસ પછી ખુલ્યા કેદારનાથના કપાટ : 51 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય શણગાર, કડક નિયમો સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ


ખેડૂતો બનશે 'ઉર્જાદાતા': કૃષિ ક્ષેત્રમાં આવશે તેજી

આ ફેરફારથી દેશના ખેડૂતો હવે માત્ર 'અન્નદાતા' જ નહીં પરંતુ 'ઉર્જાદાતા' તરીકે પણ ઉભરી આવશે. ઈથેનોલ મુખ્યત્વે શેરડી, મકાઈ અને બગડેલા અનાજમાંથી બનાવવામાં આવે છે, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં મોટી તેજી આવવાની શક્યતા છે. E85 ફ્યુઅલની માંગ વધતા ખેડૂતોને તેમના પાકના વધુ સારા ભાવ મળી રહેશે અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે. વધુમાં, ઈથેનોલ એ રિન્યુએબલ એનર્જી હોવાથી તેના વપરાશથી કાર્બન ઉત્સર્જનમાં પણ મોટો ઘટાડો થશે, જે પર્યાવરણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

પેટ્રોલ પંપ પર બદલાશે નકશો: નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે

ટેકનિકલ દ્રષ્ટિએ આ એક મોટો પડકાર પણ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સતત ઓટોમોબાઈલ કંપનીઓને 'ફ્લેક્સ-ફ્યુલ વ્હીકલ' (FFV) બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. સામાન્ય એન્જિનમાં જો વધુ પડતું ઈથેનોલ વાપરવામાં આવે તો એન્જિનના પાર્ટ્સને નુકસાન થવાની ભીતિ રહે છે. આથી, E85 ફ્યુઅલ માટે ખાસ ડિઝાઈન કરેલા એન્જિનની જરૂર પડશે, જે જરૂરિયાત મુજબ પેટ્રોલ અથવા 100% ઈથેનોલ પર પણ વગર કોઈ મુશ્કેલીએ ચાલી શકે. આ યોજનાના સફળ અમલીકરણ માટે દેશભરના પેટ્રોલ પંપોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ધરખમ ફેરફારો કરવા પડશે. સરકારની યોજના મુજબ, પેટ્રોલ પંપ પર E85 ફ્યુઅલ માટે અલગ સ્ટોરેજ ટેન્ક, ખાસ પ્રકારની નોઝલ અને અદ્યતન ડિસ્પેન્સિંગ યુનિટ્સ સ્થાપિત કરવામાં આવશે. આગામી વર્ષોમાં તબક્કાવાર રીતે મોટા શહેરોથી આ સુવિધાની શરૂઆત કરવામાં આવશે, જે ભારતના ઓટો અને એનર્જી સેક્ટરમાં એક નવો યુગ અંકિત કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now