એક તરફ વડોદરાને ‘સ્માર્ટ સિટી’ બનાવવાની મોટી-મોટી વાતો અને તંત્ર દ્વારા વિકાસના ઊંચા-ઊંચા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરના વોર્ડ નંબર-8માંથી વહીવટી તંત્રની પોલ ખોલતા અત્યંત ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે. વોર્ડ-8માં આવેલી જયઅંબે સોસાયટી અને પાયલ સોસાયટીમાં હાલમાં નરક જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદી અને ડ્રેનેજના ગંદા પાણીના ભરાવાને કારણે સ્થાનિક રહીશો નર્કાગાર સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.
જીવના જોખમે દર્દીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવો પડ્યો
વોર્ડ નંબર 8માં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે પ્રાથમિક સુવિધાઓ તો દૂર, કટોકટીના સમયે મળતી ઇમરજન્સી સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. તાજેતરમાં સોસાયટીમાં ભરાયેલા ગંદા પાણીના કારણે ઇમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ સોસાયટીની અંદર પ્રવેશી શકી ન હતી. એક ગંભીર બીમાર દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઘૂંટણસમા દૂષિત પાણીમાંથી પસાર થઈને દર્દીને માંડ-માંડ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવો પડ્યો હતો. આ સંવેદનશીલ ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું : હવે નવા નિયામકની નિયુક્તિની તૈયારી
સોસાયટીના આક્રોશિત રહીશો એ જાણાવ્યું હતું કે, જ્યારે કટોકટીના સમયે એમ્બ્યુલન્સ પણ ઘર સુધી ન પહોંચી શકે, ત્યારે આ સ્માર્ટ સિટી કયા કામની? શું તંત્ર કોઈના મોતના સમાચાર સાંભળવા ઈચ્છે છે?"
ભયાનક રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે દિવસો સુધી આવા ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય હદે વધી ગયો છે. આ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત સેવાઈ રહી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
આ પણ વાંચો: ગીરમાં હવે નહીં બની શકે નવા રિસોર્ટ! : સિંહોના રહેઠાણ બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
વેરો વસૂલવામાં સ્માર્ટ, સુવિધા આપવામાં નાપાસ!
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેશન સ્માર્ટ સિટીના નામે તગડો વેરો વસૂલવામાં જરાય પાછીપાની કરતું નથી, પરંતુ જ્યારે પ્રાથમિક સુવિધાઓ આપવાની વાત આવે છે ત્યારે વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થાય છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.





