Home Gujarat Vadodara Baroda Dairy Milk Farmers Protest Free Milk Vadodara 2026

દૂધ ઢોળ્યું નહીં... લોકોને ફ્રીમાં આપ્યું : બરોડા ડેરી સામે પશુપાલકોનો અનોખો વિરોધ

વિરોધ કરતા પશુપાલકોની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 15, 2026, 10:44 AM IST

Vadodara News: વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં બરોડા ડેરી સામે પશુપાલકોનો રોષ દિવસેને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. યોગ્ય ભાવ, ફેટ માપણીમાં પારદર્શિતા અને દૂધ સ્વીકારવાના પ્રશ્નોને લઈને 400થી વધુ પશુપાલકોએ છેલ્લા આઠ દિવસથી બરોડા ડેરીમાં દૂધ ભરાવવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. વિરોધની અનોખી રીત અપનાવતા પશુપાલકોએ પોતાનું દૂધ રસ્તા પર ઢોળી દેવાના બદલે શિહોરા-રાણીયા ચોકડી પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને નિઃશુલ્ક પીવડાવ્યું હતું. આ દૃશ્યોને કારણે સમગ્ર વિસ્તારમાં આંદોલનની ચર્ચા શરૂ થઈ છે.

આ વિરોધ પ્રદર્શનમાં નવા શિહોરા, જુના શિહોરા, પીપળીયા સહિત કુલ સાત ગામોના પશુપાલકો જોડાયા છે. પશુપાલકોનું કહેવું છે કે વર્ષોથી તેઓ ડેરી વ્યવસ્થા પર નિર્ભર રહ્યા છે, પરંતુ યોગ્ય વળતર ન મળતા હવે આર્થિક રીતે ગંભીર સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓનો દાવો છે કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા હવે આંદોલન જ એકમાત્ર રસ્તો બચ્યો છે.

ઓછા ભાવ અને ટેસ્ટિંગ પ્રક્રિયા સામે સવાલો

આંદોલન કરી રહેલા પશુપાલકોનો મુખ્ય આક્ષેપ એ છે કે બરોડા ડેરીમાં દૂધના ફેટ, વજન અને સેમ્પલિંગ પ્રક્રિયામાં પૂરતી પારદર્શિતા નથી. તેમના જણાવ્યા મુજબ દૂધની ગુણવત્તા પ્રમાણે યોગ્ય ભાવ મળતો નથી અને ફેટના દરમાં પણ નોંધપાત્ર તફાવત જોવા મળે છે. પશુપાલકોના દાવા મુજબ બરોડા ડેરીમાં પ્રતિ કિલો ફેટ દીઠ આશરે ₹30 જેટલો ઓછો ભાવ આપવામાં આવે છે. તેઓ કહે છે કે જ્યાં બરોડા ડેરીમાં અંદાજે ₹835 જેટલો ભાવ મળે છે, ત્યાં અમૂલ ડેરીમાં આશરે ₹865 સુધીનો ભાવ તેમજ વધુ ફેટનો લાભ અને બોનસ આપવામાં આવે છે. આ કારણસર પશુપાલકો બરોડા ડેરીમાં પણ અમૂલ જેવી આધુનિક ઓટોમેટેડ ટેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી દૂધની ગુણવત્તાનું નિષ્પક્ષ મૂલ્યાંકન થઈ શકે અને ઉત્પાદકોને યોગ્ય વળતર મળે.

આ પણ વાંચો: ભરૂચમાં રાજસ્થાનની બાળકી માટે ન્યાય યાત્રા : પીડિતાને ન્યાય અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ

દૂધ સ્વીકારવાનું બંધ થતાં આર્થિક સંકટ ઘેરાયું

આંદોલનના કારણે અનેક પશુપાલકોની રોજબરોજની આવક પર સીધી અસર પડી રહી છે. સ્થાનિક પશુપાલક સવિતાબેન પરમારે જણાવ્યું કે છેલ્લા આઠથી દસ દિવસથી દૂધનું વેચાણ બંધ થતાં પશુઓ માટે ઘાસચારો, ખોળ, ખાંડ અને અન્ય ખોરાકની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની ગઈ છે. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના પરિવારોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને દૂધના વેચાણથી મળતી આવક પર જ ઘરખર્ચ ચાલે છે. આવી સ્થિતિમાં દૂધ સ્વીકારવાનું બંધ થતાં પરિવારોની આર્થિક સ્થિતિ વધુ કટોકટીભરી બની રહી છે. પશુપાલકોનું કહેવું છે કે દૂધ નાશ પામે તે પહેલાં લોકોમાં મફતમાં વહેંચી દેવું વધુ યોગ્ય છે, કારણ કે તેનાથી ઓછામાં ઓછું દૂધનો સદુપયોગ તો થાય છે.

અમૂલ દ્વારા દૂધ ન સ્વીકારવાના નિયમ સામે પણ વિરોધ

આંદોલન દરમિયાન પશુપાલક હિતેન્દ્ર પરમારે જણાવ્યું કે હાલમાં અમૂલ ડેરી દ્વારા પણ તેમના વિસ્તારનું દૂધ સ્વીકારવામાં આવતું નથી. તેમના જણાવ્યા મુજબ "એક વિસ્તારનું દૂધ બીજા વિસ્તારમાં ન જવું જોઈએ" એવા નિયમને કારણે તેમને અમૂલમાં પણ દૂધ ભરાવવાની મંજૂરી મળતી નથી. પશુપાલકોનો આક્ષેપ છે કે આવા વહીવટી નિયમોના કારણે તેઓ વચ્ચે ફસાઈ ગયા છે. તેઓ કહે છે કે એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેઠેલા અધિકારીઓ ગામડાની વાસ્તવિક સ્થિતિને સમજી શકતા નથી. જો દૂધ સ્વીકારવામાં નહીં આવે તો પશુપાલકોને સીધું આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

આ પણ વાંચો: યુવાઓને નશાથી બચાવવા કડક પગલું : રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના વેચાણ પર મુકાયો પ્રતિબંધ

ગાંધીનગર સુધી લડત લઈ જવાની ચીમકી

પશુપાલકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે અને રાણિયાની અમૂલ ડેરીમાં ફરી દૂધ સ્વીકારવાનું શરૂ નહીં થાય, તો તેઓ ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન કરશે. તેમણે જણાવ્યું કે રાજ્યના અન્ય જિલ્લાઓના પશુપાલકોને પણ સાથે જોડીને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. પશુપાલકોનું કહેવું છે કે તેઓ કોઈ વિશેષ રાહત નહીં પરંતુ માત્ર યોગ્ય ભાવ, પારદર્શક પરીક્ષણ વ્યવસ્થા અને દૂધ વેચવાનો અધિકાર માંગે છે. તેઓનો દાવો છે કે આ પ્રશ્ન માત્ર સાત ગામો પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યના અનેક દૂધ ઉત્પાદકો માટે મહત્વનો મુદ્દો બની શકે છે.

ધારાસભ્યે પણ કર્યો રજૂઆતનો પ્રયાસ

આ સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્ય સરકારના સંબંધિત મંત્રીને પત્ર લખીને પશુપાલકોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. જોકે પશુપાલકોના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈ અસરકારક નિર્ણય લેવામાં આવ્યો નથી.

હાલ સમગ્ર વિસ્તારની નજર ડેરી સંચાલન, જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર તરફ છે. જો આગામી દિવસોમાં ચર્ચા દ્વારા ઉકેલ નહીં આવે તો પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન બરોડા ડેરી તરફથી આક્ષેપો અંગે સત્તાવાર પ્રતિસાદ સામે આવે તો સમગ્ર સ્થિતિ વધુ સ્પષ્ટ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now