Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં સગીરો અને યુવાઓમાં વધતા નશાના દૂષણને રોકવા જિલ્લા વહીવટી તંત્રે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. ઇન્ચાર્જ જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એસ. પ્રજાપતિએ જાહેરનામું બહાર પાડી નશીલા પદાર્થોના સેવન માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સ્મોકિંગ એસેસરીઝ જેવી કે 'રોલિંગ પેપર' અને 'સ્મોકિંગ કોન'ના સંગ્રહ, વેચાણ, ખરીદી, પુરવઠો અને હેરફેર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધનો હેતુ ખાસ કરીને સગીરો અને યુવાઓને નશાની લતથી બચાવવાનો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ આ પ્રતિબંધ 15 જુલાઈ, 2026થી 12 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન સમગ્ર ગાંધીનગર જિલ્લાના મહેસૂલી વિસ્તાર તેમજ પશ્ચિમ રેલવે પોલીસ સ્ટેશનની હદમાં કોઈપણ વ્યક્તિ કે વેપારી આ પ્રકારની સ્મોકિંગ એસેસરીઝનો સંગ્રહ, વેચાણ કે હેરફેર કરી શકશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદા મુજબ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.
FSLના અભિપ્રાય બાદ લેવાયો નિર્ણય
જિલ્લા તંત્રે જણાવ્યું છે કે આ નિર્ણય રાજ્યના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના સત્તાવાર અભિપ્રાયને આધારે લેવામાં આવ્યો છે. FSLના જણાવ્યા અનુસાર રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન જેવી વસ્તુઓ વનસ્પતિજન્ય નાર્કોટિક પદાર્થો, જેમ કે ગાંજો અને ચરસના ધુમ્રપાન માટે ઉપયોગમાં લેવાતી "ડ્રગ પેરાફર્નાલિયા" તરીકે કાર્ય કરે છે. આવી સ્મોકિંગ એસેસરીઝ દ્વારા નશીલા પદાર્થો શરીરમાં ઝડપથી શોષાઈ જતા હોવાથી વ્યસનની શક્યતા વધુ વધી જાય છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવા સાધનોનો ઉપયોગ કરનાર વ્યક્તિમાં વધુ માત્રામાં ડ્રગ્સનું સેવન થઈ જવાની શક્યતા પણ વધી જાય છે, જેના કારણે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થાય છે. આ ઉપરાંત રોલિંગ પેપર બળવાથી ઉત્પન્ન થતા ટાર, કાર્બન મોનોક્સાઇડ અને અન્ય ઝેરી રસાયણો ફેફસાં, શ્વસનતંત્ર અને હૃદયની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રતિકૂળ અસર કરે છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું : હવે નવા નિયામકની નિયુક્તિની તૈયારી
યુવાઓમાં વધતી ઉપલબ્ધતાએ વધારી ચિંતા
જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી વિવિધ સામાજિક સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ, મીડિયા અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગાંધીનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવી સ્મોકિંગ એસેસરીઝ ખૂબ સરળતાથી ઉપલબ્ધ બની રહી છે.
ખાસ કરીને પાન પાર્લર, ચાની દુકાનો, કરિયાણાની દુકાનો તેમજ વિવિધ ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફતે પણ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનું વેચાણ થતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સરળતાથી મળતી આ વસ્તુઓના કારણે સગીરો અને કોલેજીયન યુવાઓમાં નશા તરફ આકર્ષણ વધતું હોવાનું પણ વિવિધ અહેવાલોમાં સામે આવ્યું હતું.
જિલ્લા તંત્રનું માનવું છે કે આવી સ્થિતિમાં સમયસર કડક પગલાં નહીં લેવામાં આવે તો યુવાધનના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની ગંભીર અસર પડી શકે છે. તેથી જાહેર આરોગ્ય અને કાયદો-વ્યવસ્થાના હિતમાં પ્રતિબંધાત્મક પગલું ભરવું જરૂરી બન્યું હતું.
વેપારીઓ માટે પણ મહત્વની ચેતવણી
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં વેપારીઓને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ રીતે રોલિંગ પેપર અથવા સ્મોકિંગ કોનનું વેચાણ, સંગ્રહ કે સપ્લાય કરવામાં આવશે તો સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાનની દુકાનો, જનરલ સ્ટોર, કરિયાણાની દુકાનો, ગિફ્ટ શોપ તેમજ અન્ય વેપારી એકમોએ આ નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. જો કોઈ વ્યક્તિ કે વેપારી નિયમોનો ભંગ કરતો ઝડપાશે તો તેના વિરુદ્ધ સંબંધિત કાયદાની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરત બાદ નર્મદા-ભરૂચ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી : ઈમેલ મળતા જ તંત્ર એલર્ટ
નશા વિરોધી અભિયાનને મળશે વધુ બળ
તાજેતરના સમયમાં ગુજરાતમાં નશીલા પદાર્થોના વેપાર અને સેવનને રોકવા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિવિધ જિલ્લાઓમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ, જાગૃતિ કાર્યક્રમો અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લા તંત્રનો આ નિર્ણય પણ તે જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.
નશાની લત માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેના પરિવાર, શિક્ષણ, કારકિર્દી અને સમગ્ર સમાજને અસર કરે છે. તેથી માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતી નથી, પરંતુ માતા-પિતા, શિક્ષકો, વેપારીઓ અને સમાજના દરેક વર્ગે પણ સાવચેત રહેવાની જરૂર છે.
જિલ્લા વહીવટી તંત્રે તમામ નાગરિકો, વેપારીઓ અને સામાજિક સંસ્થાઓને અપીલ કરી છે કે તેઓ જાહેરનામાનું સંપૂર્ણ પાલન કરે અને યુવાધનને નશાના દૂષણથી બચાવવા પ્રશાસનને સહયોગ આપે. તંત્રનું કહેવું છે કે સમાજના સહયોગ વિના નશા સામેની લડત સફળ બની શકે નહીં અને આવનારી પેઢીને સુરક્ષિત રાખવા સૌએ સંયુક્ત જવાબદારી નિભાવવી જરૂરી છે.






