Home Gujarat Gujarat Post Office Bomb Threat Bharuch Rajpipla Police Investigation

સુરત બાદ નર્મદા-ભરૂચ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી : ઈમેલ મળતા જ તંત્ર એલર્ટ

bomb squad
Published by: Chintan Chavda
Last Updated: Jul 15, 2026, 10:03 AM IST

ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભરી ઈ-મેઇલ મળતા રાજ્યભરના પોલીસ અને પોસ્ટલ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ધમકી મળ્યા બાદ ભરૂચ, નર્મદા સહિત અનેક જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા તાત્કાલિક કડક બનાવવામાં આવી હતી. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) તેમજ ડોગ સ્ક્વોડની ટીમોએ પોસ્ટ ઓફિસ પરિસરોની સઘન તપાસ હાથ ધરી હતી.

ભરૂચ ડિવિઝનની મુખ્ય પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાની વિવિધ પોસ્ટ ઓફિસોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોસ્ટ ઓફિસમાં આવતા-જતા લોકો પર પણ નજર રાખવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત રાખવામાં આવી છે.

રાજપીપલા મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં પણ તપાસ

નર્મદા જિલ્લાના રાજપીપલામાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ સેવા કેન્દ્રને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભરી ઈ-મેઇલ મળતા સ્થાનિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. ઘટનાની જાણ થતાં નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધાના માર્ગદર્શન હેઠળ રાજપીપલા ટાઉન પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ સ્થળ પર પહોંચી હતી.

આ પણ વાંચો: "કોકપિટ વોઇસ રેકોર્ડિંગ સહિતના સંવેદનશીલ પુરાવા જાહેર નહીં થાય" : AAIB એ સુપ્રીમ કોર્ટમાં કરી સ્પષ્ટતા

ટીમોએ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસના દરેક વિભાગની સઘન તપાસ કરી હતી. ઇમારતના પ્રવેશદ્વાર, ઓફિસ રૂમ, પાર્સલ વિભાગ અને આસપાસના વિસ્તારની પણ ચકાસણી કરવામાં આવી હતી. લાંબી તપાસ બાદ કોઈ વિસ્ફોટક સામગ્રી અથવા શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.

કામગીરી ફરી શરૂ, તપાસ યથાવત

તપાસ દરમિયાન સુરક્ષાના કારણોસર પોસ્ટ ઓફિસની કામગીરી થોડા સમય માટે અટકાવવામાં આવી હતી. જોકે તપાસ પૂર્ણ થયા બાદ કોઈ જોખમ ન હોવાનું સ્પષ્ટ થતાં તમામ સેવાઓ ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી. પોસ્ટ વિભાગના કર્મચારીઓ અને સેવા લેવા આવેલા લોકોને પણ ત્યારબાદ રાહતનો અનુભવ થયો હતો.

પોલીસે જણાવ્યું છે કે હાલ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. વિવિધ જિલ્લાઓમાં પણ સ્થાનિક પોલીસને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું 80% કામ પૂર્ણ : સપ્ટેમ્બર-ઓક્ટોબરથી કામગીરીની તૈયારી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન સચિવ અને AAI ચેરમેને પ્રોજેક્ટની સમીક્ષા કરી

સાયબર એજન્સીઓ ધમકીભર્યા ઈ-મેઇલની તપાસમાં

ધમકીભર્યો ઈ-મેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે સાયબર ક્રાઇમ શાખા સહિત સંબંધિત તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. ઈ-મેઇલના ટેક્નિકલ પાસાઓ, આઈપી એડ્રેસ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ અંગે તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરી છે. હાલની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું તંત્રએ જણાવ્યું છે અને સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now