મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી વડોદરાની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ ફરી એકવાર પોતાની વહીવટી લાપરવાહી અને સંવેદનહીનતાને કારણે વિવાદમાં આવી છે. હોસ્પિટલ તંત્રની વધુ એક મોટી બેદરકારીનો ભોગ પાંચમહાલથી આવેલા એક ગરીબ દર્દીને બનવું પડ્યું છે. પગમાં ગંભીર ફ્રેક્ચર હોવા છતાં અને વારંવાર વિનંતી કરવા છતાં દર્દીને વ્હીલચેર કે સ્ટ્રેચર સુધી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું ન હતું.
એક્સ-રે વિભાગથી ઇમરજન્સી સુધી દર્દીની અગ્નિપરીક્ષા
મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના પાવાગઢ પાસે આવેલા નાજકુવા ગામના એક ગરીબ દર્દી પોતાના પગના ફ્રેક્ચરની સારવાર કરાવવા માટે આશા સાથે SSG હોસ્પિટલ આવ્યા હતા. અહીં એક્સ-રે પડાવ્યા બાદ દર્દીને ઇમરજન્સી વોર્ડ સુધી લઈ જવાનો હતો. નિયમ મુજબ આવા ગંભીર દર્દીઓ માટે હોસ્પિટલ દ્વારા સ્ટ્રેચર કે વ્હીલચેરની સુવિધા આપવી ફરજિયાત છે. જોકે, હાજર સ્ટાફને વારંવાર જાણ કરવા અને કાલાવાલા કરવા છતાં દર્દીના સગાંને કોઈ સુવિધા આપવામાં આવી ન હતી.
આ પણ વાંચો: ફરજિયાત TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરના શિક્ષકો ગાંધીનગરમાં એકત્ર : 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ
ખભાનો સહારો આપી સગાંઓ દર્દીને ચલાવતા લઈ ગયા
લાચારીના કારણે દર્દીના પરિવારજનો પાસે અન્ય કોઈ રસ્તો બચ્યો ન હતો. અસહ્ય દુખાવાથી કણસતા દર્દીને તેના સ્વજનોએ ખભાનો સહારો આપ્યો હતો અને એક્સ-રે વિભાગથી લઈને ઇમરજન્સી વોર્ડ સુધીના આશરે ૨૦૦ મીટર જેટલા લાંબા અંતર સુધી દર્દીને પગ ઘસડીને ચાલવા મજબૂર થવું પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને હોસ્પિટલમાં હાજર અન્ય લોકોમાં પણ તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ગરીબ દર્દી માટે વડોદરાની આ સયાજી હોસ્પિટલનો અનુભવ અત્યંત કડવો અને માનવતા વગરનો સાબિત થયો હતો.
આ પણ વાંચો: અમરેલીમાં સિંહના હુમલામાં યુવકના મોત બાદ વન વિભાગની કાર્યવાહી : 2 યુવકોની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર
RMO દ્વારા તપાસના આદેશ
આ સમગ્ર સંવેદનહીન ઘટનાની વીડિયો અને મીડિયામાં ભારે ચર્ચા થતાં હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે. SSG હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. હિતેન્દ્ર ચૌહાણે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "દર્દીઓ સાથે આવી બેદરકારી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આ ઘટનામાં જે પણ સ્ટાફ સભ્ય કે વોર્ડ બોય જવાબદાર હશે, તેની સામે કડક કાનૂની અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે." હવે જોવાનું એ રહે છે કે આવા આદેશો માત્ર કાગળ પર રહે છે કે પછી હોસ્પિટલની વ્યવસ્થામાં કોઈ સુધારો થાય છે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ ગરીબ દર્દીને આવી હાલાકી ન ભોગવવી પડે.






