અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીક સિંહના હુમલામાં 21 વર્ષીય યુવકના મોતના મામલે વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની તપાસ દરમિયાન વન વિભાગે મૃતક સહિત ત્રણ વ્યક્તિઓ સામે સિંહને પજવણી (હેરાનગતિ) કરવા સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં મૃતક સાથે હાજર રહેલા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ યશરાજસિંહ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણ તરીકે થઈ છે. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બે દિવસ પહેલાં સિંહના હુમલામાં થયું હતું યુવકનું મોત
બે દિવસ પહેલાં અંટાળિયા નજીક સિંહના હુમલામાં સોહિલ મુંજાવર (ઉંમર 21 વર્ષ)નું મોત થયું હતું. આ ઘટના બાદ વન વિભાગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પ્રાથમિક રીતે એવી માહિતી સામે આવી હોવાનું જણાવાયું છે કે મૃતક અને તેની સાથેના અન્ય બે યુવકો સિંહ દર્શન માટે વિસ્તારમાં ગયા હતા. વન વિભાગનો આક્ષેપ છે કે સિંહને પજવણી અથવા હેરાનગતિ કરવામાં આવી હોવાની શંકાના આધારે વન્યજીવ સંરક્ષણ સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આક્ષેપોની તપાસ હજુ ચાલુ છે.
આ પણ વાંચો: ગિરનારમાં સિંહના હુમલાથી ચકચાર : બાળક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો, જાણો હવે શું છે સ્થિતિ!
તપાસમાં વધુ વિગતો મેળવવા રિમાન્ડ
વન વિભાગે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરતાં હવે તપાસ એ દિશામાં આગળ વધશે કે ઘટનાના સમયે શું બન્યું હતું, સિંહને કોઈ રીતે ઉશ્કેરવામાં આવ્યો હતો કે નહીં અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં. વન વિભાગે લોકોને જંગલ વિસ્તારમાં અથવા સિંહોના રહેઠાણ નજીક બિનજરૂરી રીતે જવાનું ટાળવા તેમજ વન્યજીવોને નજીકથી જોવાનો કે તેમને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવા અપીલ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વન્યજીવોને પજવવું અથવા તેમની કુદરતી વર્તણૂકમાં ખલેલ પહોંચાડવી કાયદેસર ગુનો છે.





