વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ત્રણ દિવસ પહેલા કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે પવન અને મીની વાવાઝોડા જેવા માહોલ સાથે તાલુકામાં સાડા ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ કુદરતી આફતના કારણે શિનોરના નર્મદા નદી કિનારે આવેલા વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને નદી કિનારે આવેલ માલસર અને માંડવા ગામના બાગાયતી ખેતી કરતા ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. અહીં અંદાજિત ૧૦૦ જેટલા ખેડૂતોનો ૩૦૦ થી ૪૦૦ વીંઘામાં ઉભેલો કેળનો પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
લણણીના સમયે જ પાક ખાખ, વેપારીઓએ મોઢું ફેરવ્યું
સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે, આ કેળનો બાગાયતી પાક બરાબર લણણી (કાપણી)ના સમયે જ તૈયાર ઉભો હતો. ખેડૂતો પોતાના તૈયાર પાકને બજારમાં મૂકીને આખા વર્ષની મહેનતનું વળતર મેળવવાની આશા રાખીને બેઠા હતા, ત્યાં જ અચાનક આવેલા ભારે પવને સમગ્ર મહેનત પર પાણી ફેરવી દીધું. ખેતરોમાં કેળના ઝાડ પત્તાની જેમ તૂટી પડ્યા છે. પાક જમીનદોસ્ત થઈ જતાં હવે વેપારીઓ પણ આ માલ ખરીદવા તૈયાર નથી. લાચાર ખેડૂતોનું કહેવું છે કે, ખેતરમાં આડા પડેલા કેળના પાક અને ઝાડી-ઝાંખરાને બહાર કઢાવવા મજૂરી ચૂકવવાના રૂપિયા પણ હવે તેમની પાસે બચ્યા નથી.
પરિવારોનું ગુજરાન સંકટમાં
માલસર અને માંડવા ગામના મોટા ભાગના નાના અને સીમાંત ખેડૂતોની જમીન નર્મદા નદીના પટની નજીક આવેલી છે. આ વિસ્તારના પરિવારો પેઢીઓથી બાગાયતી કેળની ખેતી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વર્ષે મોંઘા ભાવના બિયારણ, ખાતર અને રાત-દિવસની મજૂરી કરીને પાક તૈયાર કર્યો હતો, જે હવે સંપૂર્ણ નષ્ટ થઈ ચૂક્યો છે. આ આર્થિક ફટકાના કારણે નાના ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
તંત્રને રજૂઆત: વહેલી તકે સહાયની માંગ
ભારે નુકસાની વેઠ્યા બાદ ગ્રામજનોએ એકઠા થઈને પોતાની વેદના તંત્ર સુધી પહોંચાડી છે. માલસર અને માંડવા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ સ્થાનિક ગ્રામ પંચાયત, ગ્રામસેવક તેમજ કૃષિ વિભાગના બાગાયત અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. પીડિત ખેડૂતોની એક જ પ્રબળ માંગ છે કે સરકારના બાગાયત વિભાગ દ્વારા વહેલી તકે આ વિસ્તારોની મુલાકાત લઈ, સ્પેશિયલ ટીમ દ્વારા નુકસાનીનો ચોક્કસ સર્વે કરાવવામાં આવે. જગતના તાતને આ આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે સરકાર દ્વારા ઝડપથી યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે તેવી આજીજી ગ્રામજનો કરી રહ્યા છે.





