Home Gujarat Patan Wife Murder Case Husband Friend Booked Over Canal Death

'પ્રેમ સંબંધ, પત્નીનું મોત અને પોલીસ તપાસ...' : પાટણના કેસમાં ઉઠ્યા 'કેતન-સિયા' જેવી સ્ટોરીના સવાલો

પોલીસ
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jul 11, 2026, 12:37 PM IST

પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્નીના મોતના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં આત્મહત્યાની ઘટના હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે પતિ અને તેના મિત્ર સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પ્રેમ સંબંધના વિવાદને કારણે પતિએ પૂર્વ આયોજન કરીને મિત્રની મદદથી પત્નીની હત્યા કરી હતી અને બાદમાં તેને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૃતક મંજુલાબેનના ભાઈ રતાજી નારણજી ઠાકોરે સકતાજી ભેમાજી ઠાકોર અને કિશનજી રમેશજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મૂળ સુદ્રોસણ ગામના અને હાલ કંબોઈની સીમમાં રહેતા સકતાજીને છેલ્લા દોઢ વર્ષથી અન્ય એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ અંગે પત્નીને જાણ થતાં દંપતી વચ્ચે અવારનવાર વિવાદ થતો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં કૌટુંબિક કલેશનો કરુણ અંજામ : મકાન વેચવાના વિવાદમાં સગા મોટા ભાઈએ ઈંટ મારી નાના ભાઈની હત્યા કરી

પૂર્વ આયોજનથી હત્યા કર્યાનો ફરિયાદમાં આક્ષેપ

ફરિયાદ અનુસાર, સકતાજી પ્રેમિકા સાથે લગ્ન કરવા ઇચ્છતો હોવાથી તેણે પોતાના મિત્ર કિશનજી સાથે મળીને પત્નીની હત્યા કરવાનો કથિત પ્લાન બનાવ્યો હતો. આક્ષેપ છે કે 1 જુલાઈ, 2026ના રોજ દૂધી વેચવા પાટણ ગયા બાદ પરત ફરતી વખતે મધરાતના સમયે ચંદ્રુમણા નર્મદા કેનાલના પુલ નજીક મિત્રને બોલાવવામાં આવ્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે કિશનજીએ કેનાલમાં કોઈ વ્યક્તિ પડી હોવાની વાત કહી મંજુલાબેનને વાહનમાંથી નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓએ તેમને પગથી પકડી કેનાલમાં ફેંકી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આત્મહત્યાનો દેખાવ કર્યાનો પણ આરોપ

ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘટના બાદ સકતાજીએ પરિવારજનોને પત્નીએ આત્મહત્યા કરી હોવાનું કહી ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફરિયાદી રતાજી ઠાકોરના જણાવ્યા અનુસાર, 10 જુલાઈની મધરાત્રે સકતાજીએ તેમની સમક્ષ સમગ્ર ઘટનાની કથિત કબૂલાત કરી હતી. આ માહિતીના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કથિત કબૂલાત અંગેની હકીકત અને અન્ય તમામ પુરાવાઓની કાયદેસરની ચકાસણી તપાસ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે! : ૧૫ જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, જાણો કયા જિલ્લાઓ પર છે સૌથી વધુ ખતરો!

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

મૃતકના ભાઈની ફરિયાદના આધારે પાટણ તાલુકા પોલીસે સકતાજી ભેમાજી ઠાકોર અને કિશનજી રમેશજી ઠાકોર સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટનાસ્થળના પુરાવા, ટેક્નિકલ માહિતી, સાક્ષીઓના નિવેદનો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ કેસની તમામ હકીકતો સત્તાવાર રીતે સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now