વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા (શિ) ગામ પાસે ગઈકાલે સાંજે એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પુરઝડપે આવી રહેલા એક હાઈવા ડમ્પરે રસ્તેથી પસાર થઈ રહેલા ૫૯ વર્ષીય આધેડ મહિલાને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરના પૈડા ફરી વળવાને કારણે મહિલાનું માથું ગંભીર રીતે છૂંદાઈ ગયું હતું. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન લઈને ડેસર તરફ નાસી છૂટ્યો હતો.
અકસ્માત સમયે ત્યાં નજીક જ ઉભેલા અલ્પેશકુમાર પરમારે અદ્ભુત હિંમત દાખવી તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. તેમણે ડેસર તરફથી આવી રહેલા ગામના જ મોટરસાયકલ ચાલક રાકેશભાઈ રબારીને રોક્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી બંનેએ બાઈક પર ફરાર ડમ્પરનો પીછો શરૂ કર્યો હતો. લહેરીપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે મોબાઈલની લાઈટના સહારે તેમણે ડમ્પરને ઓળખી કાઢ્યું હતું અને ઓવરટેક કરીને બાઈક આગળ ઊભી રાખી દીધી હતી. જો કે, પકડાઈ જવાની બીકે ચાલક ડમ્પરને ચાલુ હાલતમાં જ રોડની સાઈડમાં મૂકીને અંધારાનો લાભ લઈ ત્યાંથી કૂદીને નાસી છૂટ્યો હતો.
આ પણ વાંચો: વડોદરામાં કૌટુંબિક કલેશનો કરુણ અંજામ : મકાન વેચવાના વિવાદમાં સગા મોટા ભાઈએ ઈંટ મારી નાના ભાઈની હત્યા કરી
મૃતકનો ચહેરો જોતા પુત્ર પર તૂટી પડ્યો આભ
ડમ્પર ચાલક ભાગી જતાં અલ્પેશકુમાર જાતે તે ભારેખમ ડમ્પર ચલાવીને પરત અકસ્માતવાળી જગ્યાએ લાવ્યા હતા, જ્યાં સ્થાનિક લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. પરંતુ નિયતિનો ખેલ જુઓ, જ્યારે અલ્પેશકુમારે ટોળા નજીક જઈને મૃત મહિલાનો ચહેરો જોયો ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને હોશ ઊડી ગયા હતા. અકસ્માતનો ભોગ બનનાર મહિલા અન્ય કોઈ નહીં પરંતુ તેમના પોતાના જ સગા માતા શારદાબેન ભુપેન્દ્રભાઈ પરમાર હતા. જે માતાના હત્યારાને પકડવા પુત્રએ જીવના જોખમે પીછો કર્યો, તે જ માતાનો નિર્જીવ દેહ સામે જોઈ પુત્ર ઘટનાસ્થળે જ ભાંગી પડ્યો હતો. આ કરુણ દ્રશ્ય જોઈ ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
આ પણ વાંચો: પ્રેમ જીત્યો પણ કાયદો નડ્યો : ફેસબુક પર પાંગરેલી પ્રેમકથાનો કરુણ અંત, 12 વર્ષના સંસાર પછી બે બાળકોની માતા ‘કાજલ’ બાંગ્લાદેશ ડિપોર્ટ
આ ગમખ્વાર ઘટના બાદ, મૃતકના પુત્ર અલ્પેશકુમારે નવલસિંહ પરમાર અને તખતસિંહ પરમાર સાથે સાવલી પોલીસ સ્ટેશન પહોંચીને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. સાવલી પોલીસે ડમ્પરના નંબરના આધારે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે, તેમજ ફરાર ડ્રાઈવરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.





