વડોદરામાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લજવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે જેમના જન્મદિવસ પર વિદ્યાર્થીઓ આદરપૂર્વક શુભેચ્છા પાઠવતા હોય છે, તે જ શિક્ષકે માત્ર એક સામાન્ય મજાક અથવા ગેરસમજમાં શુભેચ્છા આપવા બદલ માસૂમ વિદ્યાર્થી પર નિર્દયતાપૂર્વક હાથ ઉપાડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ચકચારી બનાવ વડોદરાના સિદ્ધનાથ તળાવ પાસે આવેલી જાણીતી લિટલ ફ્લાવર સ્કૂલમાં બન્યો છે.
શિક્ષકનો જન્મદિવસ ન હોવા છતાં વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી
મળતી માહિતી મુજબ, લિટલ ફ્લાવર સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક જયેશ પરમાર ક્લાસરૂમમાં હતા, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ ભેગા મળીને તેમને 'હેપ્પી બર્થડે' કહીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વાસ્તવમાં તે દિવસે શિક્ષક જયેશ પરમારનો જન્મદિવસ નહોતો. વિદ્યાર્થીઓએ કદાચ મજાકમાં અથવા તો ખોટી માહિતીના કારણે તેમને વિશ કર્યું હતું. જો કે, આ સાંભળતા જ શિક્ષક જયેશ પરમાર પોતાનો પિત્તો ગુમાવી બેઠા હતા અને ભારે ઉશ્કેરાઈ ગયા હતા.
ક્લાસરૂમની બહાર લઈ જઈ વિદ્યાર્થીને ઢોર માર માર્યો
ગુસ્સામાં અંધ થયેલા શિક્ષકે શિસ્તના નામે હદ વટાવી દીધી હતી. તેઓ એક વિદ્યાર્થીને પકડીને ક્લાસરૂમની બહાર લઈ ગયા હતા અને ત્યાં તેને ઉપરાઉપરી તામડતોડ લાફા ઝીંકી દીધા હતા. શિક્ષકના આ ક્રૂર વર્તનને કારણે માસૂમ વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો અને રડવા લાગ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ વિદ્યાર્થીને કાનના ભાગે અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. કાનના પરદામાં તકલીફ થતાં ગભરાયેલા પરિવારે તાત્કાલિક તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ પણ વાંચો: પાદરાની ગીતાંજલિ સ્કૂલની શિક્ષણજગત શરમાવતી ઘટના! : શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી, વિરોધ કરવા પર વાઇસ પ્રિન્સિપાલે માસિકધર્મમાં 40 ઊઠબેસ કરાવી
વાલીઓનો સ્કૂલમાં હોબાળો, પોલીસ મધ્યસ્થીથી અંતે સમાધાન
આ ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થીના માતા-પિતા અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં લિટલ ફ્લાવર સ્કૂલ પર દોડી આવ્યા હતા. રોષે ભરાયેલા વાલીઓએ શાળા સંચાલકો સામે ઉગ્ર આક્રોશ ઠાલવીને ભારે હોબાળો મચાવ્યો હતો અને નરાધમ શિક્ષક સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
મામલો વધુ બિચકતાં સમગ્ર ઘટના નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચી હતી. પોલીસે બંને પક્ષોને બોલાવી કાયદાકીય કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી, પરંતુ અંતે સ્કૂલ પ્રશાસનની માફી અને અન્ય અગ્રણીઓની મધ્યસ્થી બાદ બંને પક્ષો વચ્ચે પરસ્પર સંમતિથી સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ ઘટનાને પગલે વાલીઓમાં શાળામાં બાળકોની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.





