Home Gujarat Operation Mule Hunt 2 Gandhinagar Cyber Fraud Gang Arrested 6

સાયબર ઠગો પર ગુજરાત પોલીસનો સકંજો : ઓપરેશન ‘મ્યુલ હન્ટ 2.0’માં આંતરરાજ્ય સાયબર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

આરોપીઓની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 11, 2026, 07:53 AM IST

ગાંધીનગર: રાજ્યમાં વધતા સાયબર ગુનાઓ સામે ગુજરાત પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ ઓપરેશન દરમિયાન બલ્ક મોડમાં કોર્પોરેટ બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવતી આંતરરાજ્ય સાયબર ગેંગના છ સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ ગેંગના નેટવર્કનો ઉપયોગ દેશભરમાં થયેલી કરોડો રૂપિયાની સાયબર ઠગાઈમાં કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. મોદીને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે આયોજનબદ્ધ રીતે રેડ કરીને આરોપીઓને પૈસાની લેવડદેવડ થાય તે પહેલાં જ ઝડપી લીધા હતા. સમયસર કરવામાં આવેલી કાર્યવાહીના કારણે ગેંગના વધુ આર્થિક વ્યવહારો અટકાવવામાં પણ સફળતા મળી છે.

બેંક એકાઉન્ટનો થતો હતો સાયબર ગુનાઓમાં ઉપયોગ

પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસેથી મળેલી માહિતી અને ડિજિટલ પુરાવાના આધારે જાણવા મળ્યું છે કે ગેંગ દ્વારા કોર્પોરેટ બેંક એકાઉન્ટ્સ સાયબર ગુનેગારોને સપ્લાય કરવામાં આવતા હતા. આવા એકાઉન્ટ્સનો ઉપયોગ વિવિધ પ્રકારની ઓનલાઈન ઠગાઈમાંથી મેળવેલી રકમને ટ્રાન્સફર કરવા અને તેના સ્ત્રોતને છુપાવવા માટે કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન પોલીસને મળેલા બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ અંદાજે રૂ. 1.5 કરોડની સાયબર ઠગાઈમાં થયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં હોવાથી આ આંકડો વધુ વધી શકે તેવી પણ શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.

દેશભરમાં 22 ફરિયાદો સાથે જોડાણ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સાથે સંકળાયેલા બેંક એકાઉન્ટ્સના આધારે દેશના વિવિધ રાજ્યોમાં કુલ 22 સાયબર ગુનાની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તેમાં ગુજરાતની 6 ફરિયાદોનો સમાવેશ થાય છે. ઉપરાંત મહારાષ્ટ્રમાં નોંધાયેલી ડિજિટલ અરેસ્ટ મોડસ ઓપરેન્ડી સંબંધિત બે ફરિયાદો પણ આ જ નેટવર્ક સાથે સંકળાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સાયબર ગુનેગારો છેલ્લા કેટલાક સમયથી 'ડિજિટલ અરેસ્ટ', રોકાણના નામે છેતરપિંડી, ફેક કસ્ટમ્સ અધિકારી, પોલીસ અથવા અન્ય સરકારી એજન્સીના નામે ધમકી આપી લોકો પાસેથી પૈસા પડાવવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે. આવા ગુનાઓમાં મની મ્યુલ એકાઉન્ટ્સની ભૂમિકા અત્યંત મહત્વની માનવામાં આવે છે.

સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો

છ આરોપીઓની ધરપકડ બાદ હવે પોલીસ સમગ્ર નેટવર્કની તપાસમાં લાગી છે. આ ગેંગ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, બેંક એકાઉન્ટ્સ કેવી રીતે મેળવવામાં આવતા હતા, તેની સામે કેટલા રાજ્યોમાં ગુનાઓ નોંધાયેલા છે અને આર્થિક વ્યવહારોનું સમગ્ર માળખું શું હતું તે સહિતના મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસ ડિજિટલ ડેટા, બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ પણ કરી રહી છે. તપાસના આધારે વધુ ધરપકડ થવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.

સાયબર ક્રાઈમ શાખાના અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે અજાણી વ્યક્તિઓના કહેવા પર પોતાના બેંક ખાતા, કંપનીના એકાઉન્ટ અથવા અન્ય નાણાકીય વિગતો કોઈને પણ ઉપલબ્ધ ન કરવી. પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલીને તેના બદલામાં પૈસા મેળવવાની લાલચ પણ ગંભીર કાનૂની મુશ્કેલી ઊભી કરી શકે છે. ગુજરાત પોલીસનું કહેવું છે કે રાજ્યમાં સાયબર ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે અને આવા સંગઠિત નેટવર્ક સામે આગળ પણ સતત કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now