સરહદો કદાચ પ્રેમને રોકી શકતી નથી, પરંતુ કાયદાની સીમાઓ આગળ ક્યારેક હસતા-ખેલતા પરિવારો પણ પત્તાના મહેલની જેમ વિખેરાઈ જાય છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો આણંદના લાંભવેલ ગામમાં સામે આવ્યો છે. જ્યાં ભારત સરકારના ‘ઓપરેશન ડેલ્ટા હલ્ટ’ અંતર્ગત ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાની ઝુંબેશ હેઠળ, આણંદના યુવકની પત્ની અને બે માસૂમ બાળકોની માતા કાજુલી ઉર્ફે કાજલને આખરે શુક્રવારે વડોદરા એરપોર્ટ પરથી ઢાકા (બાંગ્લાદેશ) માટે ડિપોર્ટ કરી દેવામાં આવી છે. કાજલની વિદાય સાથે જ એક આખો પરિવાર જીવતેજીવ વેરવિખેર થઈ ગયો છે.
તપાસ દરમિયાન સામે આવી ગેરકાયદેસર વસવાટની માહિતી
15 વર્ષ અગાઉ સોશિયલ મીડિયા (ફેસબુક) ના માધ્યમથી લાંભવેલના તરૂણકુમાર બંસીભાઈ પટેલ અને બાંગ્લાદેશની કાજુલી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પોતાના પ્રેમીને પામવા માટે કાજુલી 12 વર્ષ પહેલાં તમામ જોખમો ખેડીને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી ભારત આવી હતી. અહીં આવીને તેણે હિન્દુ ધર્મ અંગીકાર કરી તરૂણ સાથે લગ્ન કર્યા અને પોતાનું નામ ‘કાજલ’ રાખ્યું. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી આ દંપતી સુખી સંસાર ભોગવી રહ્યું હતું અને તેમના આ આંગણે બે માસૂમ દીકરાઓ ધ્યાન (8 વર્ષ) અને અર્શ રમતા હતા.
આ પણ વાંચો: વડોદરામાં કૌટુંબિક કલેશનો કરુણ અંજામ : મકાન વેચવાના વિવાદમાં સગા મોટા ભાઈએ ઈંટ મારી નાના ભાઈની હત્યા કરી
જોકે, કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. ગત મે મહિનામાં કાજલે બાંગ્લાદેશમાં રહેતી તેની બીમાર માતાની ખબર પૂછવા ફોન કર્યો અને તે પોલીસ રડારમાં આવી ગઈ. 2 જૂનના રોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી નારીગૃહમાં મોકલી આપી હતી.
છેલ્લા એક મહિનાથી તરૂણ પોતાના માળાને વિખેરાતો બચાવવા માટે સરકાર અને ભાજપના અગ્રણીઓના ઉંબરા ખણતો રહ્યો કે કદાચ કોઈનું હૃદય દ્રવી ઊઠે. પરંતુ કાયદો પોતાની ગતિએ ચાલ્યો. ગુરૂવારે મોડી રાત્રે કાજલને એસઓજી ઓફિસે લવાઈ અને શુક્રવારે વડોદરા એરપોર્ટ પર ભારતીય આર્મીને સોંપી દેવાઈ. છેલ્લી ઘડીએ પતિને પત્નીને મળવા કે પૈસા આપવા પણ ન દેવાયા. કાજલ પહેરેલે કપડે જ રવાના થઈ ગઈ. પત્નીની વિદાય બાદ પતિ તરૂણ એરપોર્ટની બહાર જ એક નાના બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો, જે દ્રશ્ય જોઈ ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
આ પણ વાંચો: સુરતમાં ખાડી પૂર બાદ સમીક્ષા બેઠકોનો દોર યથાવત : ભવિષ્યમાં પૂર નિયંત્રણ માટે રોડમેપ પર ચર્ચા
પોલીસ: કાયદેસર વિઝા લઈને ફરી આવી શકે
આ અંગે આણંદ જિલ્લા પોલીસ વડા જી. જી. જસાણીએ જણાવ્યું હતું કે, "તે ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હોવાથી કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેને પરત મોકલાઈ છે. જોકે, હવે તે બાંગ્લાદેશ જઈને કાયદેસરના વિઝા મેળવીને ભારત પરત આવી શકે છે." હવે આ વિખેરાયેલો પરિવાર કાયદાની લાંબી પ્રક્રિયા ક્યારે પૂરી થાય અને કાજલ ક્યારે પરત ફરે તેની આશાભરી આંખે પ્રતીક્ષા કરી રહ્યો છે.





