વડોદરા શહેરના તરસાલી સ્થિત મદદનીશ નિયામક રોજગાર કચેરી દ્વારા 22 મેના રોજ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક ઉપલબ્ધ કરાવવા માટે યોજાનાર આ ભરતી મેળામાં 125થી વધુ ખાલી જગ્યાઓ માટે સીધા ઈન્ટરવ્યુ લેવામાં આવશે. આ ભરતી મેળો સવારે 10 વાગ્યાથી મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, પહેલો માળ, ITC બિલ્ડિંગ, ITI કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે યોજાશે. રોજગાર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ મેળામાં વડોદરાની પાંચથી વધુ ખાનગી કંપનીઓ અને નોકરીદાતાઓ ભાગ લેશે.
વિવિધ લાયકાત
આ ભરતી મેળામાં ધોરણ 10 પાસ (SSC), ધોરણ 12 પાસ (HSC), ITIના તમામ ટ્રેડ તેમજ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ખાસ કરીને B.A. અને B.Com. પૂર્ણ કરેલા યુવાઓ માટે પણ વિવિધ ક્ષેત્રોમાં નોકરીની તક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે અને પુરુષ તેમજ મહિલા બંને ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
આ ભરતી મેળામાં ફીટર, વેલ્ડર, ડીઝલ મેકેનિક, પેન્ટર, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, રિલેશનશિપ ઓફિસર, એપ્રેન્ટિસ અને ટ્રેઇની સહિત વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કુલ 125થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
વિદેશ રોજગાર
રોજગાર મેળાની ખાસ વાત એ છે કે માત્ર નોકરી માટેની ભરતી જ નહીં પરંતુ ઉમેદવારોને કરિયર અને ભવિષ્ય સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ દરમિયાન ઉમેદવારોને વિદેશમાં નોકરી અને અભ્યાસ માટે ‘સેફ લીગલ માઈગ્રેશન’ અંગે માહિતી આપવામાં આવશે. ઉપરાંત સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી નિઃશુલ્ક નિવાસી તાલીમ યોજના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સ્વરોજગાર, કરિયર ગાઈડન્સ અને કાઉન્સેલિંગ, પીએમ ઈન્ટર્નશીપ યોજના, પીએમ વીબીઆરવાય યોજના તથા એપ્રેન્ટિસશિપ યોજના અંગે વિસ્તૃત માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો: UPSC ઉમેદવારો માટે મોટી અપડેટ! : CSE, NDA અને CDS પરીક્ષાની તારીખો જાહેર, જાણી લો સંપૂર્ણ શેડ્યૂલ
ઓનલાઈન રોજગાર નોંધણી
જેઓ ઓનલાઈન નોકરી શોધવા અથવા અરજી કરવા ઈચ્છે છે તેમના માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને અનુબંધમ (Anubandham) અને NCS (National Career Service) પોર્ટલ પર નામ નોંધણી કરવાની સુવિધા પણ સ્થળ પર જ ઉપલબ્ધ રહેશે. રોજગાર કચેરીએ જણાવ્યું છે કે ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર રહેતી વખતે પોતાના બાયોડેટા અથવા રેઝ્યૂમની ત્રણ કોપી સાથે લાવવાની રહેશે. ઉમેદવારોએ પોતાના ખર્ચે નિર્ધારિત સ્થળ અને સમયે હાજર રહેવાનું રહેશે.
આ પણ વાંચો: ફ્રેશર્સ માટે મોટી તક! : SBI અને BOBમાં 12 હજારથી વધુ Apprentice ભરતી! જાણો પગાર, કામ અને સિલેક્શન પ્રોસેસ
ભરતી પ્રક્રિયા સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે
મદદનીશ રોજગાર નિયામક, વડોદરા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભરતી પ્રક્રિયામાં ઉમેદવાર અથવા નોકરીદાતા પાસેથી કોઈપણ પ્રકારની ફી અથવા ચાર્જ લેવામાં આવશે નહીં. તાજેતરના સમયમાં રોજગાર મેળાઓ દ્વારા યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની સીધી તક મળી રહી છે. ખાસ કરીને ITI અને ટેક્નિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આવા ભરતી મેળા મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યાં છે. વડોદરામાં યોજાનાર આ ભરતી મેળાથી શહેર અને આસપાસના વિસ્તારોના અનેક યુવાનોને રોજગારી મેળવવાની નવી તક મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





