Vadodara News : વડોદરા શહેરના હરણી-વરસિયા રિંગ રોડ પર આવેલી પ્રગરાજ સોસાયટીમાં બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર ગામડે ગયો હોવાનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ ઘરના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો અને રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, પ્રગરાજ સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ભાડે રહેતા કિશન પટેલનો પરિવાર કોઈ કામસર વતન ગયો હતો. આ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરમાં રાખેલી સોનાની ચેન, ચાંદીની ચેન, વીંટી, હાથની લંકી, ચાંદીની કદોરી તેમજ અંદાજે ₹50 હજારની રોકડ રકમ ચોરી કરી હતી.
પડોશીઓએ પરિવારને જાણ કરી
ઘરમાં ચોરી થઈ હોવાની જાણ પડોશીઓને થતાં તેમણે તરત જ પરિવારનો સંપર્ક કર્યો હતો. પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાથી પરિવાર આઘાતમાં આવી ગયો હતો.
ચોરી અંગે કિશન પટેલ દ્વારા વરસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
CCTVના આધારે આરોપીઓની શોધખોળ
વરસિયા પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અન્ય ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે તસ્કરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
તાજેતરમાં શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવતી ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા નાગરિકોને લાંબા સમય માટે ઘર બંધ રાખવાનું હોય તો નજીકના પડોશીઓને જાણ કરવા અને સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.






