ગુજરાતમાં સક્રિય ચોમાસાની સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના સમગ્ર દરિયાકાંઠા માટે આગામી પાંચ દિવસ સુધી ગંભીર દરિયાઈ ચેતવણી જાહેર કરી છે. 4 જુલાઈથી 8 જુલાઈ, 2026 દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે 60 કિલોમીટર પ્રતિ કલાક સુધીના ઝાપટા (ગસ્ટ) ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયો પણ ભારે તોફાની રહેવાની આગાહી કરવામાં આવી હોવાથી માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવાની કડક સલાહ આપવામાં આવી છે.
સત્તાવાર ચેતવણી મુજબ ગુજરાતના તમામ બંદરો પર લોકલ કોશનરી સિગ્નલ નંબર-3 (LC-III) યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સક્રિય ચોમાસાના કારણે દરિયાની સ્થિતિ જોખમી બની શકે હોવાથી બંદર વિસ્તાર તેમજ દરિયાકાંઠે જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: વરસાદે દેખાડ્યો રંગ! તાપીમાં નવા નીર : કોઝવે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર થયો બંધ, જાણો વૈકલ્પિક રૂટ
ઉત્તર અને દક્ષિણ ગુજરાતના સમગ્ર દરિયાકાંઠા માટે ચેતવણી
હવામાન વિભાગની ફિશરમેન વોર્નિંગ મુજબ ઉત્તર ગુજરાતના જખૌ, માંડવી, મુન્દ્રા, ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા અને પોરબંદર સહિતના બંદરો નજીક દરિયો આગામી પાંચ દિવસ સુધી તોફાની રહેવાની સંભાવના છે.
તે જ રીતે દક્ષિણ ગુજરાતના મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ વિસ્તારમાં પણ સમાન પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા અને પહેલેથી દરિયામાં રહેલા માછીમારોને સલામત સ્થળે પરત ફરવાની સલાહ આપવામાં આવી છે.
અનેક જિલ્લામાં હાઈ વેવ એલર્ટ જાહેર
INCOIS દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ ઉત્તર, જૂનાગઢ દક્ષિણ અને કચ્છના દરિયાકાંઠા માટે હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં 4 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન 3.0થી 3.5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયાઈ કામગીરી, માછીમારી, બોટ સંચાલન તેમજ દરિયાકાંઠે મનોરંજન માટે જતા લોકોને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: વરસાદથી બંધ થયેલો દ્વારકા-સોમનાથ હાઇવે ફરી શરૂ : ઓવરબ્રિજનું તાત્કાલિક સમારકામ
બંદર અને દરિયાઈ કામગીરીમાં સાવચેતી રાખવા સૂચના
પોર્ટ વોર્નિંગ અનુસાર સક્રિય ચોમાસાને કારણે દરિયામાં પવનની ગતિ સતત તેજ રહેવાની શક્યતા છે. તેથી બંદર સંચાલકો, બોટ માલિકો અને માછીમારોને હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતી નવીનતમ ચેતવણીઓ પર સતત નજર રાખવા જણાવાયું છે. વહીવટી તંત્રે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને બિનજરૂરી રીતે દરિયા નજીક ન જવાની અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.






