PM Narendra Modi Rajasthan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં દેશના સૌપ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટીગ્રેટેડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ સાથે તેમણે જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ યોજાયેલી જાહેરસભામાં વડાપ્રધાને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ, હોર્મુઝની ખાડીની સ્થિતિ અને ભારતે વૈશ્વિક ઉર્જા સંકટનો કેવી રીતે સામનો કર્યો તે અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
વડાપ્રધાને જણાવ્યું કે ભારત પોતાની એલપીજી સહિતની ઊર્જા જરૂરિયાતો માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ દરમિયાન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝની ખાડી બંધ થતાં ભારત માટે પણ ઊર્જા પુરવઠાનું મોટું સંકટ ઊભું થવાની શક્યતા હતી. જોકે, કેન્દ્ર સરકારે સમયસર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને જરૂરી આયોજન કર્યું અને પોતાની કૂટનીતિક ક્ષમતાના આધારે દેશના ઊર્જા પુરવઠાને અસર થવા દીધી નહીં.
આ પણ વાંચો: ગુજરાતના સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ઐતિહાસિક દિવસ : PM મોદી આજે સાણંદમાં CG Semi ના ₹7,500 કરોડના OSAT પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
'40 દેશોમાંથી ઇંધણ મેળવી ભારતનો પુરવઠો જાળવી રાખ્યો'
જાહેરસભામાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જ્યારે કેટલાક લોકો અફવાઓ ફેલાવવામાં વ્યસ્ત હતા, ત્યારે સરકાર વૈશ્વિક કટોકટીનો સામનો કરવા માટે સતત કાર્યરત હતી. તેમણે કહ્યું કે ભારતે સંસાધનોનું યોગ્ય આયોજન કર્યું અને યુદ્ધ જેવી પરિસ્થિતિ હોવા છતાં દુનિયાના આશરે 40 દેશોમાંથી ક્રૂડ ઓઇલ અને ગેસની ખરીદી કરીને દેશમાં ઇંધણનો પુરવઠો ખોરવાવા દીધો નહોતો. તેમણે ઉમેર્યું કે આ સમગ્ર પ્રક્રિયામાં ભારતની વૈશ્વિક કૂટનીતિ અને સમયસર લેવામાં આવેલા નિર્ણયો અસરકારક સાબિત થયા.
કોંગ્રેસ સરકાર પર નિશાન, 'ડબલ એન્જિન' સરકારનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં રાજસ્થાનની પૂર્વ કોંગ્રેસ સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અગાઉ રાજ્ય સરકારના અસહકારના કારણે આ મહત્વાકાંક્ષી રિફાઇનરી પ્રોજેક્ટનું કામ લાંબા સમય સુધી અટવાયેલું રહ્યું હતું.
તેમણે જણાવ્યું કે રાજ્યમાં ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ 'ડબલ એન્જિન સરકાર'ના સહકારથી પ્રોજેક્ટની કામગીરીને ઝડપ મળી અને આજે આ રિફાઇનરી દેશના ઊર્જા તથા પેટ્રોકેમિકલ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ બની છે.
આ પણ વાંચો: પંચમહાલમાં જગદીશ વિશ્વકર્માનું નિવેદન : વીજ લાઈન વળતર અંગે સરકારના નિર્ણયને "ઐતિહાસિક" ગણાવ્યો
અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ
રાજસ્થાન પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ રિફાઇનરી ઉપરાંત જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ શહેરી પરિવહન, રેલવે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રિન્યૂએબલ એનર્જી અને પાવર ટ્રાન્સમિશન સહિત હજારો કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો.
વડાપ્રધાને જણાવ્યું કે દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા સુરક્ષા અને ઔદ્યોગિક વિકાસને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર સતત રોકાણ કરી રહી છે અને આવા પ્રોજેક્ટ્સ દેશના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.






