Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામમાં આવેલા લેબડીયું તળાવની જમીન પર ગેરકાયદેસર દબાણ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોના આક્ષેપ મુજબ, તળાવની જમીન પર સિમેન્ટના થાંભલા ઊભા કરીને ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે. આ દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે અને તળાવનું સંરક્ષણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવ ઊંડું કરવાની માંગ
ગ્રામજનોએ જણાવ્યું કે રાજ્ય સરકાર એક તરફ જળ સંચય અને 'તળાવ બચાવો' જેવા અભિયાન ચલાવી રહી છે, જ્યારે બીજી તરફ આસેડા ગામમાં તળાવની જમીન પર દબાણ થઈ રહ્યું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.
આવેદનમાં માંગ કરવામાં આવી છે કે સરકાર ગેરકાયદેસર દબાણ દૂર કરાવી તળાવને ઊંડું કરાવે, જેથી ચોમાસામાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઈ શકે અને સ્થાનિક ખેડૂતો તેમજ ગામને તેનો લાભ મળે.






