Home Education/Career Tat Preliminary Result 2026 Seb Gujarat Main Exam Date

TAT પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર : હજારો ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય; જાણો સંપૂર્ણ વિગતો

શિક્ષક
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jul 04, 2026, 12:34 PM IST

ગુજરાતમાં શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (Teacher Aptitude Test-TAT) પ્રાથમિક પરીક્ષા-2026નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો હવે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પોતાના બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી પરિણામ જોઈ શકે છે.

3 મે, 2026ના રોજ યોજાયેલી TAT પ્રાથમિક પરીક્ષા 200 ગુણની લેખિત પરીક્ષા હતી. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. હવે પરિણામ જાહેર થતાં મુખ્ય પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. રાજ્ય પરીક્ષા બોર્ડના પ્રાથમિક કાર્યક્રમ મુજબ મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટ, 2026ના રોજ યોજાય તેવી સંભાવના છે.

ગુજરાતી માધ્યમમાં 1.81 લાખથી વધુ ઉમેદવારોએ આપી પરીક્ષા

જાહેર કરાયેલા પરિણામ મુજબ ગુજરાતી માધ્યમમાં કુલ 1,81,520 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમાં 120થી વધુ ગુણ મેળવનારા 3,465 ઉમેદવારો નોંધાયા છે. જ્યારે 100થી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોની સંખ્યા 25,594 રહી છે. આ આંકડા દર્શાવે છે કે મોટી સંખ્યામાં ઉમેદવારોએ સારો દેખાવ કર્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડે નક્કી કરેલા ધોરણ મુજબ 200માંથી 70 અથવા તેથી વધુ ગુણ, એટલે કે 35 ટકા કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે.

આ પણ વાંચો: કડીમાં વરસાદે વધારી મુશ્કેલી! : ત્રણ અંડરપાસ બંધ થતાં નીતિન પટેલે લીધી પરિસ્થિતિની સમીક્ષા, તંત્ર અને પોલીસ વિભાગને આપી જરૂરી સૂચના

અંગ્રેજી માધ્યમમાં પણ નોંધપાત્ર પરિણામ

અંગ્રેજી માધ્યમમાં કુલ 3,510 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમાં 120થી વધુ ગુણ મેળવનારા 163 ઉમેદવારો રહ્યા છે, જ્યારે 100થી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોની સંખ્યા 850 નોંધાઈ છે. ઉમેદવારોની સંખ્યા ઓછી હોવા છતાં સારા ગુણ મેળવનારાનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું હોવાનું પરિણામ પરથી સ્પષ્ટ થાય છે. હવે મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોને અંતિમ પસંદગી પ્રક્રિયાની દિશામાં આગળ વધવાની તક મળશે.

રિઝલ્ટ કેવી રીતે ચેક કરશો?

ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર જઈને પોતાનો બેઠક નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પરિણામ જોઈ શકે છે. પરિણામ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ પણ મેળવી શકાય છે.

OMR રિચેકિંગ માટે 7થી 15 જુલાઈ સુધી તક

જે ઉમેદવારોને પોતાના પરિણામ અંગે કોઈ શંકા હોય અથવા OMR શીટની પુનઃચકાસણી કરાવવી હોય તેઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડે વિશેષ વ્યવસ્થા કરી છે. ઉમેદવારો 7 જુલાઈ, 2026થી 15 જુલાઈ, 2026 દરમિયાન ગાંધીનગરના સેક્ટર-21 સ્થિત રાજ્ય પરીક્ષા બોર્ડ કચેરીમાં રૂબરૂ જઈ OMR રિચેકિંગ માટે અરજી કરી શકશે. કામકાજના દિવસોમાં સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રિચેકિંગ માટે ઉમેદવારે પોતાની હોલ ટિકિટ સાથે લેખિત અરજી આપવાની રહેશે તેમજ રૂ.100ની ફી જમા કરાવવાની રહેશે.

આ પણ વાંચો: વેરાવળને જળબંબાકારમાંથી બહાર લાવવા પાલિકાની યુદ્ધસ્તરની કવાયત : 140થી વધુ કર્મચારીઓ મેદાને

મુખ્ય પરીક્ષા માટે અલગ અરજી કરવાની જરૂર નહીં

રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પ્રાથમિક પરીક્ષામાં ક્વોલિફાય થયેલા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે અલગથી અરજી કે પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ, પરીક્ષા કેન્દ્ર અને અન્ય મહત્વની સૂચનાઓ સમયાંતરે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

બોર્ડે તમામ ઉમેદવારોને સતત સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવાની અપીલ કરી છે જેથી કોઈ મહત્વની માહિતી ચૂકી ન જાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now