Home Education/Career Ugc Net June 2026 Nta Sociology Paper Spelling Errors Controversy

અંગ્રેજી પેપર વિવાદ બાદ હવે નવા આક્ષેપોથી ફરી ઘેરાઈ NTA : UGC NET 2026ના Sociology પેપરમાં મોટો છબરડો! જાણીતા સમાજશાસ્ત્રીઓના નામ જ ખોટા

UGC NET 2026
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jul 02, 2026, 01:12 PM IST

UGC NET 2026 : રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) ફરી એકવાર યુજીસી નેટ (UGC NET) જૂન 2026 પરીક્ષાને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પહેલાથી જ અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રમાં જૂના પ્રશ્નોના પુનરાવર્તન અંગે ઉઠેલા વિવાદ વચ્ચે હવે સમાજશાસ્ત્ર (Sociology) વિષયની પરીક્ષાને લઈને નવી ફરિયાદો સામે આવી છે. ઉમેદવારોનો આરોપ છે કે 30 જૂને યોજાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રમાં મોટી સંખ્યામાં સ્પેલિંગ ભૂલો, ખોટા અનુવાદ અને જાણીતા સમાજશાસ્ત્રીઓના નામોમાં ગંભીર ભૂલો જોવા મળી હતી. આક્ષેપો સામે આવ્યા બાદ પરીક્ષાની ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા, પ્રશ્નપત્ર તૈયાર કરવાની પદ્ધતિ અને પારદર્શિતાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ મુદ્દે અત્યાર સુધી NTA તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી.

સમાજશાસ્ત્રના ઉમેદવારોની ગંભીર ફરિયાદો

UGC-NET સમાજશાસ્ત્રની ઉમેદવાર અંતરા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પ્રશ્નપત્ર અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ પ્રશ્નપત્રમાં ભાષાકીય અને સ્પેલિંગ સંબંધિત એટલી બધી ભૂલો હતી કે કેટલાક પ્રશ્નોનો મૂળ અર્થ સમજવો મુશ્કેલ બન્યો હતો. ઉમેદવારોના દાવા અનુસાર, પ્રશ્નપત્રમાં કેટલાક પ્રખ્યાત સમાજશાસ્ત્રીઓના નામો પણ ખોટી રીતે લખવામાં આવ્યા હતા. તેમાં George Ritzerનું નામ "Putzer", Talcott Parsonsનું "Parsow", G. S. Ghuryeનું "Ghunye", A. R. Desaiનું "A. K. Desai" અને Martha Nussbaumનું "Nusbaut" તરીકે દર્શાવવામાં આવ્યું હોવાનો આરોપ છે. ઉમેદવારોનું કહેવું છે કે આવી ભૂલો માત્ર ટાઈપોગ્રાફિકલ નહીં પરંતુ શૈક્ષણિક વિશ્વસનીયતા પર પણ પ્રશ્ન ઊભા કરે છે.

આ પણ ખાસ વાંચો : એરફોર્સમાં નોકરી અને ક્રિકેટમાં સિલેક્શનની લાલચ : ગુજરાત કોલેજના પ્રોફેસર પર વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો આરોપ

અનુવાદ અને સિલેબસને લઈને પણ સવાલ

વિદ્યાર્થીઓએ એવો પણ દાવો કર્યો છે કે ઘણા પ્રશ્નોના હિન્દી અનુવાદ ગૂંચવણભર્યા હતા, જેના કારણે પ્રશ્નોના સાચા અર્થને સમજવામાં મુશ્કેલી પડી હતી. કેટલાક ઉમેદવારોના જણાવ્યા અનુસાર પ્રશ્નપત્રમાં એવા વિચારકો અને પુસ્તકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે UGC-NET સમાજશાસ્ત્રના સત્તાવાર અભ્યાસક્રમનો ભાગ નથી. કેટલાક પરીક્ષાર્થીઓએ તો પ્રશ્નપત્રની ભાષા અને બંધારણને લઈને એવી શંકા પણ વ્યક્ત કરી છે કે જાણે કેટલાક પ્રશ્નો કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) આધારિત સાધનોની મદદથી તૈયાર કરવામાં આવ્યા હોય. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી અને NTA તરફથી પણ કોઈ સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી.

અંગ્રેજી પેપરને લઈને પહેલેથી જ વિવાદ

સમાજશાસ્ત્રના પ્રશ્નપત્ર અંગેના વિવાદ પહેલાં UGC NETના અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રને લઈને પણ ચર્ચા શરૂ થઈ હતી. કેટલાક અહેવાલો અનુસાર, અંગ્રેજી વિષયના 150 પ્રશ્નોમાંથી 67 પ્રશ્નો અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો સાથે નોંધપાત્ર રીતે મળતા આવતા હોવાનું ઉમેદવારો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. અહેવાલોમાં એવો પણ ઉલ્લેખ થયો છે કે માત્ર પ્રશ્નો જ નહીં પરંતુ વિકલ્પોની ગોઠવણી પણ અગાઉના પ્રશ્નપત્ર જેવી જ હોવાનું જોવા મળ્યું છે. આ દાવાઓને કારણે પરીક્ષા પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પ્રશ્નબેંકના ઉપયોગને લઈને ચર્ચા તેજ બની છે. જોકે, અત્યાર સુધી NTAએ આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

આ પણ ખાસ વાંચો : ચૈતર વસાવાને છોડાવવા ધોધમાર વરસાદ વચ્ચે આદિવાસીઓ ઉમટ્યાં : ડેડીયાપાડામાં આદિવાસી મહાસંમેલન, ગુજરાતમાં AAPનું એપી સેન્ટર બન્યું નર્મદા

22 જૂનથી 30 જૂન સુધી યોજાઈ હતી પરીક્ષા

UGC NET જૂન 2026 પરીક્ષા 22 જૂનથી 30 જૂન 2026 દરમિયાન વિવિધ તબક્કામાં યોજાઈ હતી. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પ્રથમ શિફ્ટ સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાઈ હતી. પરીક્ષાનું આયોજન દેશભરના અનેક કેન્દ્રોમાં કરવામાં આવ્યું હતું.

ગુણવત્તા નિયંત્રણ પર ફરી ચર્ચા

છેલ્લાં કેટલાક વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ અને પાત્રતા પરીક્ષાઓની વિશ્વસનીયતા અંગે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. NEET-UG વિવાદ બાદથી NTAની કામગીરી સતત જાહેર ચર્ચામાં રહી છે. હવે UGC NET 2026ને લઈને સામે આવેલા આક્ષેપોએ પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં ગુણવત્તા ચકાસણીની વ્યવસ્થાઓ કેટલી અસરકારક છે તે અંગે ફરી ચર્ચા શરૂ કરી છે. શૈક્ષણિક વર્તુળોમાં એવી માંગ ઉઠી રહી છે કે પ્રશ્નપત્રોને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં વિષય નિષ્ણાતો દ્વારા બહુસ્તરીય સમીક્ષા પ્રક્રિયા ફરજિયાત બનાવવી જોઈએ, જેથી ભાષાકીય, તથ્યાત્મક અને અનુવાદ સંબંધિત ભૂલો ટાળી શકાય. ઉમેદવારો હવે NTA તરફથી સત્તાવાર સ્પષ્ટતા અને જરૂરી હોય તો સુધારાત્મક પગલાંની રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now